Ghodaliyana jova che mare re ghamsan - Bhajan | RekhtaGujarati

ઘોડલિયાના જોવા છે મારે રે ઘમસાણ

Ghodaliyana jova che mare re ghamsan

પુરુષોત્તમ પુરુષોત્તમ
ઘોડલિયાના જોવા છે મારે રે ઘમસાણ
પુરુષોત્તમ

ઘોડલિયાનાં જોવા છે મારે ઘમસાણ,

રામાપીર ! પધારો! આવો! લીલુડા રે ઘોડલે...

જરકસી રે જામા હરિને, પીળી છે પાંભલડી રે,

પીરની મોજડીમાં મોતીડાંની ખાણ...

- રામાપીર ! પધારો! આવો! લીલુડા રે ઘોડલે…૦

જળહળતી જ્યોતું રે જલે રામાપીર તમારી રે,

લીલુડા ફરૂંકે નિશાન...

- રામાપીર! પધારો! આવો! લીલુડા રે ઘોડલે…૦

પળમાં પોકરણ, ને પળમાં પીર ! દ્વારિકામાં રે,

પળમાં પીરની ઢેલડિયે છે પલાણ…

- રામાપીર! પધારો! આવો! લીલુડા રે ઘોડલે…૦

ઘોડલે ચડીને પીરજી ! મંડપમાં પધારજો રે,

પધારો મારા ! બારે બીજના ભાણ…

- રામાપીર! પધારો! આવો ! લીલુડા રે ઘોડલે…૦

ગુરુના પ્રતાપે પુરૂષોત્તમ બોલિયા રે,

દેજો અમને તમારા ચરણોમાં વાસ...

- રામાપીર! પધારો! આવો! લીલુડા રે ઘોડલે…૦

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023