ઘેલારામ ગોવિંદ ગુણ ગાવો
Ghelaram Govind Gun Gavo
નબીમિયાં
Nabimiya
નબીમિયાં
Nabimiya
ઘેલારામ ગોવિંદ ગુણ ગાવો, મેલાં મન તમે ઉજ્જવળ થાવો
ફરી અવસર નહિ મળે આવો રે...
લક્ષ ચોર્યાસી તમે ફરો ભટકતા, આવ્યો ઉદ્ધરવાનો આરો,
ગફલતમાં શાને ભમો છો તારા એળે ગયા અવતારો...
પામર, હરિનું નામ ન જાણ્યું, તમે ક્યારે થાશો ભવ પારો,
ભૂલવણીમાં ફરો ભટકતા, તમે ખોઈ નાખ્યા જુગ ચારો...
સાચા સદ્ગુરુ મુરશદ ભેટ્યા, જેને માર્ગ સુઝાવ્યો સારો,
આંખો ખોલીને અવિનાશી નિરખ્યા, મટી ગઈ નૈનની ધારો...
માયા મમતા લાગે મીઠી, તને હરિરસ લાગે ખારો,
ફટ રે અભાગી હરિ નામ ન જાણ્યું, તમે બાંધ્યો કરમનો ભારો...
અધમ જાણી રે હરિ આયા તાર્યા, ભવ દુઃખ ભાવે વિદારો,
‘દાસ નબી’ને મગમાં મિલિયા, અલખ બાવન બહારો... ઘેલા૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
