garaj kone? - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

[ભજન]

ગરજ હોય તો આવ ગોતવા,

હું શીદ આવું હાથ, હરિ!

ખોજ મને જો હોય ખેવના

હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ! -ગરજ.

ગેબ તણી સંતાકૂકડીમાં

દાવ તમારે શિર, હરિ!

કાળાન્તરથી દોડી રહ્યા છો

તોય ફાવ્યા કેમ, હરિ! -ગરજ.

સૂફીઓ ને સખી-ભક્તો ભૂલ્યા.

વલવલિયા સહુ વ્યર્થ, હરિ!

‘સનમ! સનમ!’ કહીને કો રઝળ્યા,

કોઈ ‘પિયુ! પિયુ!’સાદ કરી. -ગરજ.

પોતાને પતિતો દુષ્ટો કહી

અપમાને નિજ જાત, હરિ!

માંહેનો મને માનીશ,

હું સમવડ રમનાર, હરિ! -ગરજ.

તલસાટો મુજ અંતર કેરા

દાખવું તો મને ધિક્, હરિ!

પતો મારો તને બતાવું

હું-તું છો નજદીક, હરિ! -ગરજ

મારે કાજે તુજ તલસાટો

હવે અજાણ્યા નથી, હરિ!

હું રિસાયલને તું મનવે

વિધવિધ રીતે મથી, હરિ! -ગરજ.

પવન બની તું મારે દ્વારે

મધરાતે ઘૂમરાય, હરિ!

મેઘ બનીને મધરો મધરો

ગાણાં મારાં ગાય, હરિ! -ગરજ.

વૈશાખી બળબળતાં વનમાં

દીઠા ડાળેડાળ ભરી

લાલ હીંગોળી આંગળિયાળા

તારા હાથ હજાર, હરિ! -ગરજ.

માછલડું બનીને તેં મુજને

ખોળ્યો પ્રલયની માંય, હરિ!

હું બન્યો કાદવ,તું બની ડુક્કર

રગદોળાયો, શરમ, હરિ! -ગરજ.

પથ્થર લક્કડ પશુ પંખી થૈ

નજર તમારી ચુકાવી, હરિ!

માનવ થઈ પડું હાથ હવે, તો

જગ કહેશે, ગયો ફાવી, હરિ! -ગરજ.

લખ ચૉરાશીને ચકરાવે

ભમી ભમી ઢૂંઢણહાર, હરિ!

ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે,

કાં તો હાર સ્વીકાર, હરિ! -ગરજ.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 376)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997