ભાણદાસ
Bhandas
ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે,
તેણિ રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે;
દિનમણિ સૂર્ય દીપક કર્યું, ગુણ ગરબી રે;
માંહિ ચંદ્ર તણું પરકાસ, ગાઉં ગુણ ગરબી રે,
પૃથ્વીપાત્ર ત્યાંહાં કોડીઉં, ગુણ ગરબી રે,
વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે;
સાતિ સાગર તેલ ભર્યું, ગુણ ગરબી રે,
માંહિ મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે.
થાવર જંગમ ભસ્મ ભર્યું, ગુણ ગરબી રે,
સુંદર સકલ વિભાગ, ગાઉં ગુણ ગરબી રે;
સર પરિ ગાદી કછપની, ગુણ ગરબી રે,
ઉંઢણી શેષ નાગ, ગાઉં ગુણ ગરબી રે.
ગાગરિ ઉપરિ ઢાંકણું, ગુણ ગરબી રે,
અંબર એક અપાર, ગાઉં ગુણ ગરબી રે;
તેત્રીસ કોટિ વિવર કર્યાં, ગુણ ગરબી રે,
તેજ તણું નહિ પાર, ગાઉં ગુણ ગરબી રે.
ત્ર્યણ્ય ગુણો થઈ ગુણવંતી, ગુણ ગરબી રે,
દૂઝિ પરમ નિધાન, ગાઉં ગુણ ગરબી રે;
અહર્નિસિ અમૃત ઝરિ ગુણ ગરબી રે,
જગત કરિ છિ પાન, ગાઉં ગુણ ગરબી રે.
વિવિધ પિરિં વરસી રહી, ગુણ ગરબી રે,
ધર્મ અરથ નિ કામ, ગાઉં ગુણ ગરબી રે;
ચ્યાર વેદ પરગટ થયા, ગુણ ગરબી રે,
વિશ્વ તણું વિશ્રામ, ગાઉં ગુણ ગરબી રે.
ત્રહિણ્ય મૂરત્ય ગાગર મહીં, ગુણ ગરબી રે,
હરિ બ્રહ્મા નિ ઇસ, ગાઉં ગુણ ગરબી રે;
સદાકાલ સહજિં ધરિ, ગુણ ગરબી રે,
ગૌરી ગાગરિ સીસ, ગાઉં ગુણ ગરબી રે.
આદિ સકત્ય અવીગત તાણી, ગુણ ગરબી રે,
રમિ રસાલુ રાસ, ગાઉં ગુણ ગરબી રે;
ચઉદ લોક મોહ પામિયા, ગુણ ગરબી રે,
ઇંમ કહિ છિ ‘ભાણદાસ’, ગાઉં ગુણ ગરબી રે.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
