Fatak Fat Re - Bhajan | RekhtaGujarati

ફડાક ફટ રે, ફડાક ફટ રે, આ તન મોતી ફટકે

Fatak Fat Re

અમીધર અમીધર
ફડાક ફટ રે, ફડાક ફટ રે, આ તન મોતી ફટકે
અમીધર

ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે.

ક્રૂર કાળની જાળમાં, બેચેન બુઢા બાળ,

ફોગટીઆ ફોગટ જસે, ફોગટ ભરતા ફાળ,

ઝટપટ જાશે જમ ઝાલી, ચટપટ જાવું છે ચાલી,

તજ ખટ પટ રે, તજ ખટ પટ રે, ખટપટ તજીને જવું ખટકે..…

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

દિન દિન દુઃખ પામ્યો છતાં, ખરો થયો નહી ક્ષોભ,

લ૫ટાણો ખૂબ લોભમાં, લોભ તણો નહી થોભ,

તન લટપટ રે, તન લટપટ રે, લટપટથી ભવમાં લટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

જમ હાથે જ્યારે જાશે, પસ્તાવો પૂરો થાશે,

સરરર સટ રે, સરરર સટ રે, નટખટ જમથી ક્યાં છટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

કાળ કુહાડો હાથ લેઈ, લેવાતા કે લાગ,

પોઢે છે કેમ પ્રાણિયા? જાગ જાગ્ય રે જાગ્ય,

તું ઝટ પટ ઝટ રે, ઝટ પટ ઝટ રે, તું તો જાગ્ય, કાપશે ઝટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

જૂઠા સહુ જનુની જાયા, મન માને મિથ્યા માયા,

સરિતા તટ રે, સરિતા તટ રે, તરસ્યો કેમ અહીં તહીં ભટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

વિસરી વિશ્વંભર વિભુને, ઈચ્છે છે સુખ પેર,

વસવું ભવ દરિયા વિષે, કરી મગરથી વેર,

પડાક પટ રે, પડાક પટ રે, પળમાં આવી તે પટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

અમીધરનો ઉપદેશ, હવે શ્વેત થયા સહુ કેશ,

ભજ પરગટ રે, ભજ પરગટ રે, નહીંતર કાપે જમ કટકે...

- ફડાક ફટ રે, ફડાક ફટ રે, તન મોતી ફટકે...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023