એવા અજર પિયાલા
Eva ajar piyala
સરવણ કાપડી
Saravan Kapadi
સરવણ કાપડી
Saravan Kapadi
પે'લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજર પિયાલા પૂરા સંત મારા વીરા રે!
અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સુર રળિયામણો રે જી... અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી... અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો'રશે રે જી... અલખ સંતો ભાઈ.
શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
'સરવણ કાપડી' એમ બોલિયા રે જી... અલખ સંતો ભાઈ.
સ્રોત
- પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી
- વર્ષ : 2023
