Durmatiya dahya thai aave - Bhajan | RekhtaGujarati

દુરમતિયા ડાહ્યા થઈ આવે

Durmatiya dahya thai aave

નરસિંહ પરમાર નરસિંહ પરમાર
દુરમતિયા ડાહ્યા થઈ આવે
નરસિંહ પરમાર

દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે;

પ્રેમભક્તિમાં ભંગ પડાવે, અજ્ઞાન આગળ લાવે રે. - દુર૦

આપણા કુળમાં કોઈએ કીધું, તે આ૫ણ કેમ કરીએ રે;

વેરાગી થઈ નાટક નાચીએ, તુલસી તિલક કેમ ધરીએ રે. - દુર૦

જેવા તેવા હેાય તે હરિગુણ ગાયે, તે આ૫ણ કેમ ગાઇયે રે;

કૃષ્ણનામની કથા થાય જ્યાં, ત્યાં આપણ નવ જાઈયે રે. - દુર૦

આપ કલેશ ને ક્રોધના ભરિયા, સઘળાને ઊંધું સમજાવે રે;

જમકિંકરના માર પડશે, ત્યારે આડે કોઈ નહિ આવે રે. - દુર૦

કુળને તજશે ને હરિને ભજશે, સેહેશે સંસારનું મેહણું રે;

ભણે ‘નરસૈયો’ હરિ તેને મળશે, બીજી વાતે વાહશે વોહણું રે. - દુર૦

સ્રોત

  • પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1944