દુનિયામાં ડાહ્યો ડહા૫ણમાં - દુઃખ પામે
Duniyama dahyo dahapanma dukh pame
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
દુનિયામાં ડાહ્યો ડહા૫ણમાં - દુઃખ પામે;
ભવતારણ ભગવાન વિસારી, ચિડયો ઠાલે ભામે રે. દુનિયા૦
મનુષ્યદેહ મળ્યો અતિ મોંઘો, ખોટો જાણી ખોયો;
ચોરે-ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો રે. દુનિયા૦
હરિ-હરિજનસંગે હેત ન કીધું, પીધું વિખનું પાણી;
સુખ સંસારી પામ્યા સારું, મૂઆ લગી ઘર તાણી રે. દુનિયા૦
હરખશોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો;
‘દેવાનંદ’ કહે હરિ ભજ્યો નહિ, ઘણે દુઃખે ઘેરાણો રે. દુનિયા૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 156)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
