Dhyan man dhar dradh dharnidhar ghani tanu - Bhajan | RekhtaGujarati

ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું

Dhyan man dhar dradh dharnidhar ghani tanu

ગૌરીશંકર ગૌરીશંકર
ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું
ગૌરીશંકર

ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું, સંતપદ પંકજે સુરત સાધી,

પાર ભવસિંધુથી તરત તે તારશે, પ્રેમ પાથેાદધિ પ્રબળ બાધી,

મમત માયા તણા મૂળમાં આગ દે, અવલ અહંકારને દૈ નસાડી;

ઉર વૈરાગ્ય અંકુરને પ્રગટ કર, ઊલટથી આશ અલખે લગાડી.

ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું૦

માત ને તાત વળી ભ્રાત ભગિની સખા, પત્ની પુત્રાદિ કો’ કામ ના’વે,

અલખ ઘણી એાળખી રટણ કર તે તણું, અટલ અવસાન જે કામ આવે.

ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું૦

તુંહી એક તુંહી એક બોલ પ્રતિવાસરે, અન્ય વાણી ધણીને અકારી,

નાથ ‘ગૌરી’ તણો રે’મ ઉર લાવીને, પાર ભવસિંધુ દેશે ઉતારી.

ધ્યાન મન ધાર દૃઢ ધરણીધર ધણી તણું૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 188)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963