ધ્યાન હરિનું ધરિયે જોને
Dhyan harinu dhariyre jone
પ્રીતમ
Pritam
પ્રીતમ
Pritam
રામ નામ તું રટ રે પ્રાણી, અણી પૂરણ પ્રીત જોને,
કાચી કાયા કાચનો કૂપો, સ્વપ્ના સરખી રીત જોને.
નાના મોટા જન પરપોટા, ફૂલે ફૂટી જાય જોને,
એવા આ માયાના ઘાટો, ઊપજે ને વણસાય જોને.
સિંધુ સરખાં દીસે ભાસે, ઝાંઝવાનાં નીર જોને,
પીપાસા (૧) પીધે ના જાયે, કેશ ના હોય હીર જોને.
ગંદી કાયા ગર્વ ન કીજે, વણસતાં નહીં વાર જોને,
કાગ કીટ કે કુર્કટ ખાશે, અંતે થાશે છાર (૩) જોને.
તેહ તણું અભિમાન તજીને, ભાવે ભજીએ હરિને જોને,
‘પ્રીતમ’ પ્રેમે પાવન થઈયે, ધ્યાન હરિનું ધરિયે જોને.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
