ધન્ય ગુરુ દાતા મારા
Dhany guru data mara
વેલનાથ
Velnath
વેલનાથ
Velnath
ધન્યગુરુ દાતા મારા, ધન્ય ગુરુ દેવા, મારા સતગુરુએ શબદ સુણાયો જી,
ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, પંડના પાપ સઘળાં જાય જી.
દેશ રે દેખાડ્યો ગુરુએ સૂતાને જગાડ્યો, મને અલખ પુરુષ ઓળખાવ્યો જી,
બૂડતા મારા ગુરુજીએ તાર્યો, મને જમડાના હાથેથી છોડાવ્યો જી...
ખાલ રે પડાવું મારા દેહ તણી રે, ઉપર સોનેરી રંગ ચડાવું જી,
મોજડી સિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગુણના ઓશિંગણ ન થાય જી...
ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે, ભલે કંચનના મોલ લૂંટાવે જી,
કાશી ક્ષેત્રમાં જઇને કન્યાદાન દેવે, તોય ના'વે મારા ગુરુજીને તોલે જી...
સતગુરુ મળિયા મારા સંશય ટળિયા, મને લખ ચોરાસીથી છોડાવ્યો જી,
વાઘનાથ ચરણે બોલ્યો રે 'રૂખડિયો વેલો', મને મુક્તિનો મારગ બતાવ્યો જી...
સ્રોત
- પુસ્તક : મેરી નજરે મોતી આયા (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સ્વામી હરિદાસ ભારતી
- પ્રકાશક : ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર
- વર્ષ : 2005
