dariya bhariya re ji, lalji - Bhajan | RekhtaGujarati

દરિયા ભરિયા રે જી, લાલજી

dariya bhariya re ji, lalji

ખીમસાહેબ ખીમસાહેબ
દરિયા ભરિયા રે જી, લાલજી
ખીમસાહેબ

દરિયા ભરિયા રે જી, લાલજી,

સેહેજ સૂન સત સાગર

દરિયા ભરિયા રે જી.

પ્રારબ્ધ વિના તમે પાર નહીં પોંચો,

મટ્યો માંયલો એંકાર,

સતગુરુ આગળ શીશ નમાવીએ

તરીને ઊતરીએ ભવ પાર... દરિયા૦

જ્ઞાન પૂરા, શબદે શૂરા,

રે’ણી કરણી ટકશાળ,

અગમ ખેલ અનહદ કી આગે

નજરોનજર નિહાળ... દરિયા૦

એક પલકમાં પાર પોં’ચાડે,

સોહી રામ સંભાર,

સનમુખ હૈ સત સાહિબ મેરા,

મન મંછા કું માર... દરિયા૦

અનહદ નાદ નિરંતર વાગે,

પિંડ બ્રહ્માંડથી પાર,

શૂરા સાધુ સનમુખ રે'વે

અધર ખેલ નિરધાર... દરિયા૦

ભાણ સતગુરુએ ભેદ બતાયા,

બોલે શબદ માંઈ બાર,

'ખીમદાસ' કું ખરા નિવાજ્યા,

રણુંકાર કિરતાર

દરિયા ભરિયા રે જી૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1