Darde chadhi aavjo girdhari - Bhajan | RekhtaGujarati

ગરુડે ચઢી આવજો ગિરધારી

Darde chadhi aavjo girdhari

હરદાસ હરદાસ
ગરુડે ચઢી આવજો ગિરધારી
હરદાસ

ગરુડે ચઢી આવજો ગિરધારી, લજ્જા મોરી રાખજો રે મુરારિ !

પ્રથમ સરસ્વતી ગણપતિ ગાઈએ, પદ પૂજીને પાવન થઈએ;

નિત્ય ગોવિંદના ગુણ ગાઈએ, ગરુડે ચઢી આવજો ગિરધારી.

માતા કુંતાજી છે શુભમતિ, સતી સાધ્વી છે દ્રૌપદી;

એના બહુનામી છે પતિ, ગરુડે ચઢી આવજો ગિરધારી.

રાજા ધર્મ તે ધર્મનું ધ્યાન, અર્જુનના નામે વિશ્રામ;

ભીમસેન મહા બળવાન, ગરુડે ચઢી આવજો ગિરધારી.

જોષી સહદેવ જોષ બતાવે, નકુલ તોલે કોઈ ના'વે;

પાંચે પાંડવ ભક્ત કહાવે, ગરુડે ચઢી આવજો ગિરધારી.

હસ્તિનાપુરમાં હોડ મંડાણાં, દ્યુત ખેલતાં પાસાઓ ઢાળ્યા;

પહેલે પાસે હસ્તિનાપુર હાર્યા, ગરુડે ચઢી આવજો ગિરધારી.

બીજે પાસે રતનભંડાર, ગર્થ ગામ ને ગજ ઘોડાર;

એમ હાર્યા તે વારંવાર, ગરુડે ચઢી આવજો ગિરધારી.

ત્રીજા બેઠા ચાતુરી ચુકાવી, નથી ઊગર્યાની એકે બારી;

ચોથે હાર્યા છે દ્રૌપદી નારી, ગરુડે ચઢી આવજો ગિરધારી.

ત્યાં તો સભા મળી બહુ સારી, બોલ્યો દુર્યોધન અહંકારી,

તેડી લાવો પાંડવની નારી, ગરુડે ચઢી આવજો ગિરધારી.

એવે દુઃશાસન દોડતો આવ્યો, સતીને સંદેશો સંભળાવ્યો;

કેશે ખેંચીને સભામાં લાવ્યો, ગરુડે ચઢી આવજો ગિરધારી.

સતી ભરી રે સભામાં આવ્યાં, પતિ દેખીને મનમાં લજાયાં;

દુષ્ટ હસીને પાસે બોલાવ્યાં, ગરુડે ચઢી આવજો ગિરધારી.

પાંડવ હાર્યા ધન-ધામને ઠામ, એમ બોલ્યો દુર્યોધનરાય;

આવી બેસોને ખોળાની માંહ્ય, ગરુડે ચઢી આવજો ગિરધારી.

ત્યારે સતીએ દીધો છે શાપ, તને લાગ્યું પૂર્વેનું પાપ;

તને વ્યાપશે શોક-સંતાપ, ગરુડે ચઢી આવો ગિરધારી.

તને કાળે લીધો છે ઘેરી, તેં તો યાદવકુળ કર્યું વેરી;

ખોળે બેસે ગદા ભીમ કેરી, ગરુડે ચઢી આવજો ગિરધારી.

એવું વચન સુણી કોપ્યા વીર, ઊઠ્યો દુઃશાસન છાંડી ધીર;

કેશ ખેંચી ઉતારે છે ચીર, ગરુડે ચઢી આવજો ગિરધારી.

દૂર દેશ છે દ્વારિકામતી, મારી વ્હારે ચઢો જદુપતિ !

વહાલા દુઃખ પડ્યાં મને અતિ, ગરુડે ચઢી આવજો ગિરધારી.

સતી વારે વારે પોકારે, આંસુ પાડે ને રડે ચોધારે;

પ્રભુ ધાજો તમે મારી વ્હારે, ગરુડે ચઢી આવજો ગિરધારી.

હરિએ સૂણ્યો છે આર્ત પોકાર, વેગે દોડીને ઊઠ્યા તે વાર;

ચડ્યા ગરુડે જગદાધાર, ગરુડે ચઢી આવજો ગિરધારી.

પ્રભુ કૌરવ સભામાં આવ્યા, અંતરીક્ષ કો'ને દેખાયા;

પાંચાળીને પટકૂળ પહેરાવ્યાં, ગરુડે ચઢી આવજો ગિરધારી.

આવી સાચવ્યું સતીનું ટાણું, પાટો બાંધ્યાનું ઋણ પ્રમાણ્યું;

ચીર પૂર્યાં છે નવસે નવ્વાણું, ગરુડે ચઢી આવજો ગિરધારી.

કર્યાં ભક્ત તણાં કામ પૂરાં, નથી કોઈ રીતેય અધૂરાં;

સંકટ હરવામાં શામળિયો શૂરા, ગરુડે ચઢી આવજો ગિરધારી.

કહે ક્ષત્રિ તે દાસનો દાસ, જેનો કુંતલપુરમાં છે વાસ;

ગુણ નિત્ય ગાયે હરિદાસ, ગરુડે ચઢી આવજો ગિરધારી.

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998