ચેતે તો ચેતાવું તુંને રે
Chete to chetavu tune re
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
ચેતે તો ચેતાવું તુંને રે,
મૂરખ મન ! ચેતે તો ચેતાવું તુંને રે.
સજી અલખત સારી, મિથ્યા કહે છે મારી મારી;
નથી કાંઈ તારી ન્યારી રે. મૂરખ મન ! ચેતે તો૦
છે આ સુપનાની બાજી, છત કેાઈની નવ છાજી;
પ્રભુ ભજી લેને પાછ રે. મૂરખ મન ! ચેતે તો૦
જોતાં જોતાં સહુ જાશે, થનાર વસ્તુ તો થાશે; એમ જશે ચાલી;
કશું ન કરી શકાશે રે. મૂરખ મન ! ચેતે તો૦
ખંખેરીને હાથ ખાલી, આવ્યા એમ જશો ચાલી;
કરી માથાકૂટ ખાલી રે. મૂરખ મન ! ચેતે તો૦
માંખીએાએ મધ કીધું, ન ખાધું ન દાન દીધું;
લૂંટનારે લૂંટી લીધું રે. મૂરખ મન ! ચેતે તો૦
તન પડી જશે તારું, મિથ્યા કહે છે મારું મારું;
બળતામાંથી ખોળ બારું રે. મૂરખ મન ! ચેતે તો૦
મરણ ભમે છે માથે, હાથે કર્યું આવે સાથે;
નીમેલું છે જગનાથે રે. મૂરખ મન ! ચેતે તો૦
સમજે તો સુખ થાયે, જનમનું દુઃખ જાયે;
‘ગણપત’ ગુણ ગાયે રે. મૂરખ મન ! ચેતે તો૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 73)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
