ગોપાલદાસ
Gopaldas
સાચી સમજણ બુદ્ધિને ખોટી રે લાગે,
સંત મનાવે તે માનો, હો લોલણી.
શીલ સંતોષ કહો તો કલ્લાં ઘડાવું,
કરુણાની કાંબિયો ૫હેરાવું, હો લોલણી. સાચી સમજણ૦
વિવેક વિચાર કહો તો વિછુઆ ઘડાવું,
હર્ષના ઘૂઘરા બંધાવું, હો લોલણી. સાચી સમજણ૦
સાધન સંપત્તિ કહો તો ચૂડેલો પે’રાવું,
ક્ષમાની ચીપો મઢાવું, હો લોલણી. સાચી સમજણ૦
જ્ઞાન વૈરાગ્ય બાજુબંધ સોવરાવું,
શાંતિનું રતન જડાવું, હો લોલણી. સાચી સમજણ૦
પ્રેમનાં પુષ્પો ગળામાં નંખાવું,
લક્ષનો દોરડો પ્રોવરાવું, હો લોલણી. સાચી સમજણ૦
ટેકરૂપી કહો તો તુલસીઓ ઘડાવું,
દયાની દામણી બંધાવું, હો લોલણી. સાચી સમજણ૦
સંતસંગતરૂપી ઘૂલર ઘડાવું,
લગ્નનું લોળિયું પે'રાવું, હો લોલણી. સાચી સમજણ૦
ભક્તિરૂપી કહો તો વાળી ઘડાવું,
મુક્તિની ચૂનીઓ મેલાવું, હો લોલણી. સાચી સમજણ૦
નેહનું નયણે કહો તો કાજળ સરાવું,
હેતની આડો કરાવું, હો લોલણી. સાચી સમજણ૦
સિદ્ધિ-સમજણ કહો તો સેંથો પુરાવું,
જોગનો ચાંદલો ચોડાવું, હો લોલણી. સાચી સમજણ૦
ધીરજરૂપી કહો તો વેણી ગૂંથાવું,
ગુરુગમ-ગેફણો લટકાવું, હો લોલણી. સાચી સમજણ૦
ચોખી ચાલની તમને ચેાળી સિવડાવું,
ચેતનની ચૂંદડી પહેરાવું, હો લોળણી. સાચી સમજણ૦
સાચી કરણીનો કહો તો કંચવો સિવડાવવું,
ભાવનું ભરત ભરાવું, હો લોલણી. સાચી સમજણ૦
‘દાસ ગોપાલ’ કહે એ સમજણ સાચી,
દક્ષનો લક્ષ બતાવું, હો લોલણી. સાચી સમજણ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 71)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
