બીજમારગ છે જોગનો રે ભાઈ!
Bijmarag che jogno re bhai!
સરજ્યુગિરિ
Sarajyugiri
સરજ્યુગિરિ
Sarajyugiri
બીજમારગ છે જોગનો રે ભાઈ!
સાધો તો સખ થાય...
નિરવરતીને આદરો વીરા! સાધન કરો મન લાઈ,
મૂળ તપાસો આપણો કહાં સે આવે ક્યાં જાય?... બીજમારગ૦
સોહમ્ મંત્રને સાધવા વીરા! ચક્કર શોધો સાત,
મન વરતીને એક ઘરે લાવો તબ કરો નિજારની વાત... બીજમારગ૦
અપાનને જો વશ કરો વીરા! રોકો કંઠમાં પ્રાણ,
ઓહં સોહં શબ્દ સાધો તો વાગે આકાશમાં બાણ... બીજમારગ૦
સ્થંભ ગતિ હોય પ્રાણની વીરા! સુરતા શૂનમાં સમાય,
સુખમણાને મારગે રે સહજ સમાધિ થાય... બીજમારગ૦
ઇ આનંદના ભોગિયા વીરા! કરોડમાં કોક હોય,
નિષ્કલંકી જ્યોત જગાડે તો ભેદ ન ભાસે કોય... બીજમારગ૦
અનુભવલીલા અટપટી વીરા! સમજ વિનાનો ત્રાસ,
સ્વામી ‘સરજ્યુગિરિ’ બોલિયા ભાઈ! કરો એનો અભ્યાસ... બીજમારગ૦
સ્રોત
- પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 196)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1995
