ભેદ–ભરમાણા ભાગી રે
bhed-bharamana bhagi re
ત્રિકમસાહેબ
Trikamsaheb
ભેદ–ભરમાણા ભાગી રે, મૈયા !
મારો મનવો હુઓ વેરાગી.
કુટુંબ –કબીલાની કૂડી છે માયા, તુરત જોયું મેં ત્યાગી,
તરવેણી ઉપર તાર મિલાયા, ઝળહળ જ્યોતું માંઈ જાગી,
મૈયા ! મારો મનવો... ૧
ઈંગલા ને પિંગલા સુષુમણા ઉપરે અનહદ નોબત વાગી,
ખીમ ને ભાણ રવિ રમતા રામા, અરસપરસ અનુરાગી,
મૈયા ! મારો મનવો... ૨
શિરને સાટે સદ્ગુરુ પાયા, પીધા મહારસ માગી,
ત્રિકમદાસ સત ખીમનાં શરણાં, ચરણ કમળ લેહ લાગી,
મૈયા ! મારો મનવો... ૩
સ્રોત
- પુસ્તક : 'સંત ત્રિકમસાહેબનાં પદો' (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ઉમિયાશંકર અજાણી
- પ્રકાશક : અજાણી પ્રકાશન
- વર્ષ : 2006