bhe bhagi - Bhajan | RekhtaGujarati

ભે ભાગી

bhe bhagi

હોથી હોથી
ભે ભાગી
હોથી

વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે,

સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે;

તેણે મારી ભે ભાગી ભે ભાગી.

સતગુરુએ મને શબદ સુણાવ્યો,

રણંકાર રઢ લાગી;

તખત ત્રિવેણીના તીર ઉપર,

મોહન મોરલી વાગી રે... તેણે મારી૦

ઘણા દિવસ મન મસ્તાનું ફરતું,

દિલડે જોયું જાગી;

પુરુષ મળ્યા મને અખર અજિતા,

ત્યારે સુરતા સૂનમાં લાગી રે... તેણે મારી૦

દયા કરીને મન ડોલતું રાખ્યું,

તૃષ્ણા મેલાવી ત્યાગી;

સતગુરુ આગળ શિષ નમાવ્યું,

ત્યારે બાવડી પકડી આગી રે... તેણે મારી૦

સતગુરુએ મને કરુણા કીધી,

અંતર પ્રેમ પ્રકાશી;

'દાસ હોથી'ને ગુરુ મોરાર મળિયા,

ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે... તેણે મારી૦

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)