ભટકતાં ભવમાં રે
Bhatakta bhav ma re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ભટકતાં ભવમાં રે, ગયા કાળ કોટિ વહી;
હદ થઈ હાવાં રે, રાખો હરિ હાથ ગ્રહી. ભટકતાં૦
આવ્યો શરણ ત્રિતાપનો દાઝ્યો, શીતળ કીજે શ્યામ !
કરગરી કહું છું, કૃષ્ણ કૃપાનિધિ ! રાખો ચરણ સુખધામ !
કરુણા કટાક્ષે રે, કિલ્મિષ કોટિ દહી. ભટકતાં૦
જો મારાં કૃત સામું જોશો, તે ઠરશે બરાબરી;
રત્ન, ગુંજા, ક્યમ હોયે બરાબર, હું તો રંક ને તમો હરિ !
માટે મન મોટું રે કરજો મુને રંક લહી. ભટકતાં૦
આશાભર્યો આવ્યો અવિનાશી, સમર્થ લહી, તમ પાસ;
ધર્મધોરિધંર, તમ દ્વારેથી હું ક્યમ જાઉં નિરાશ?
નિજનો કરી લેજો રે, ના તો મને કહેશો નહિ. ભટકતાં૦
અરજ સાંભળો, અનાથ જનની, શ્રવણે શ્રી રણછોડ,
એક વાર સન્મુખ જુઓ શામળા, તો ૫હોંચે મનના કોડ;
હસીને બેલાવો રે, ‘દયા’ તું તો મારો કહી. ભટકતાં૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 148)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
