રૂપાંબાઈ
Rupabai
ભલે જન્મ્યા શ્રીગોકુલનાથ, ભક્તિ મારગ સ્થિર સ્થાપવાજી;
જી રે રાખવા વેદ મરજાદ, નિજ જનને સુખ આપવા જી.
જી રે વરત્યો જેજેકાર, બંદીજન બહુ જશ ભણે જી,
જી રે વાજિંત્ર વિવિધ પ્રકાર, શ્રીવિઠ્ઠલજીને બારણે જી.
જી રે રંગ મચ્યો સિંધદ્વાર; જુવતીનાં જૂથ મોહી રહ્યાં જી;
જી રે એ સુખ કહ્યાં નવ જાય, મોહનલાલને જોઈ રહ્યા જી.
જી રે આવે સકળ વ્રજનાર, વદન નિહાળવા વળી વળી જી;
જી રે ઉપન્યો છે અતિ ઘણો મોદ, મંગળ ગાયે મળી મળી જી.
જી રે નખશિખ રૂ૫ અનુ૫, અંગઅંગની છબી શું કહું જી;
જી રે ત્રિભુવનમોહન રૂપ, શોભાનો પાર તે નવ લહું જી.
જી રે જેજે શ્રીગોકુલનાથ, કલિયુગમાં કરુણા કરી જી;
જી રે દ્વિજરૂપે અવતાર, ભક્તની આરત મન ધરી જી.
જી રે આપણે સહિયર સાથ, સંસાર સઘળો વામિયાં જી;
જી રે વિઠ્ઠલજીનો લાલ, પૂરણ પ્રીતે પામિયાં જી.
જી રે આ છબી ઉપર આજ, તન મન ધન કરું વારણે જી;
જી રે નરખી મનોહર રૂપ, રૂપાંબાઈ જાયે વારણે જી.
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 293)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી
- વર્ષ : 1961
