sukhaD ghasai gai - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુખડ ઘસાઈ ગઈ

sukhaD ghasai gai

દુલા ભાયા કાગ દુલા ભાયા કાગ
સુખડ ઘસાઈ ગઈ
દુલા ભાયા કાગ

પેઢીઉં ઘસાઈ ગઈ રે... સુખડની પાણા પરે રે...

ઓરીસાને ના'વી... ચંદનની સુવાસ.

કાયમ વસ્યો છે રે... શિવજીના કંઠમાં રે...

કાળે નાગે તોયે તજી નઈં કડવાશ. પેઢીઉં

તનડાં ઘસાઈ ગ્યાં રે... તપેલીમાં કડછી તણાં રે

ના’વ્યો એને.... ક્ષીર ભોજનનો સ્વાદ,

ગોવિંદના હાથમાં રે... આખો અવતાર ગયો રે....

કાઢ્યો નહિ.... શંખે રૂપાળો સાદ. પેઢીઉ

કૌરવો કૃષ્ણના રે....… સાચા સંબંધી હતા ....

તોયે એને.... વધ્યું વિઠ્ઠલ સંગે વેર,

વ્યાસ કેરી કલમે રે....અઢારે પુરાણો લખ્યાં રે....

લેખણને ના’વી... લખેલાની લ્હેર. પેઢીઉ

આખો ભવ ગાળ્યો... ગાયું કેરા આઉમાં રે....

ઈતડીને દૂધની થઈ ઓળખાણ,

વૈકુંઠમાં વસિયો રે.... ગરુડ ગોવિંદ સંગે રે...

તજ્યું નહિ.... સાપ ભરખનું ભાણ–પેઢીઉં

માળા સંગે મેલી રે.... પટારાના પેટમાં રે....

કીધી એને... વેરાગની વાતું ‘કાગ’

ઓઝલથી નીકળી .... મ્યાન અળગું કરી રે...

ખાવા લગી.... માથાનું ભોજન ખાગ પેઢીઉં

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004