બાજી કેમ આવે હાથ
Baji kem aave hath
વેલનાથ
Velnath
વેલનાથ
Velnath
બાજી કેમ આવે હાથ,
બાજી કેમ આવે હાથ રે જી.
લાગી રે લડાયું કાયા શહેરમાં જી રે!
સમજે વાતું સમજાય, વેદે વાતું વંચાય રે!
મૂરખ નરને ક્યાં જઇને કેવું રે...
હે વીરા! સાચી વસ્તુ હે તારા શહેરમાં રે જી,
દુનિયા અંઘી ન થાવ! દુનિયા ભૂલી મ જાવ રે!
કરો દીપક ને ઘર ઢૂંઢીએ રે જી...
હે વીરા! તરકસ તીરડાં, ભાથે ભરયાં રે જી,
થોથાં કાયકું ઉડાડ! થોથાં કાયકું ઉડાડ રે!
મરઘો ચરે છે તારા વનમાં રે જી...
હે વીરા! તખત તરવેણીના તીરમાં રે જી,
ધમણું ધમે છે લુહાર, ધમણું ધમે છે લુહાર રે!
નૂર ઝરે ધણીનાં, શૂરા પીવે રે જી...
હે વીરા! સાતમે સુન મારો શ્યામ વસે જી,
કસ્તૂરી છે ઘરમાંય, કસ્તૂરી છે ઘરમાંય રે,
અકળ અવિનાશીનાં રાજ છે રે જી...
હે વીરા! વાઘનાથ ચરણે 'વેલો' બોલિયા રે જી,
ગુરુ મુક્તિનો આધાર, ગુરુ મુક્તિનો આધાર રે,
અગમ ઓધારણ ગુરુને ધારવા રે જી...
સ્રોત
- પુસ્તક : મેરી નજરે મોતી આયા (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : સ્વામી હરિદાસ ભારતી
- પ્રકાશક : ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર
- વર્ષ : 2005
