avichal koi nahi re - Bhajan | RekhtaGujarati

અવિચળ કોઈ નહિ રે

avichal koi nahi re

બૂટાજી બૂટાજી
અવિચળ કોઈ નહિ રે
બૂટાજી

અવિચળ કોઈ નહિ રે, મન તું કર કો’ની આશ !

સ્વપ્રવત્ સંસાર દીસે, સમજ પદ અવિનાશ.

આ૫ મૂલ ને સ્થૂલ સૂક્ષ્મ, વૈરાટ ચૌદે લોક;

બ્રહ્માંડ દીસે વણસતું, માંડણી માંહી તે ફોક. અવિચળ૦

કલ્પનાએ કહીએ રે, વાણીએ કહીએ જેહ;

કાલ કરતવ્ય જેટલું ભાઈ, અંતે વણસે તેહ. અવિચળ૦

સન્નિપાત શરીરનો, સમયે પરગટ થાય;

ભુવન કેરા ભૂપતિ તે, ઘર તજી વન જાય. અવિચળ૦

ચાર વરણ ને ચાર આશ્રમ, અવસ્થા છે સાર;

તેને અધિકારે ઉપદેશ દેવો, ગ્રંથનો વિચાર. અવિચળ૦

વૈરાગ્ય-અંજન ગુરુ આંજે, ત્યારે ઊઘડે આંખ;

પડળ સઘળાં પરાં થાયે, શાસ્ત્ર પૂરે શાખ. અવિચળ૦

અવિદ્યાને એાળખી, વિદ્યા વડે કરે નાશ;

પછી વિદ્યા મૂક મધ્યે, ઊપજે સંન્યાસ. અવિચળ૦

દ્વૈત સઘળું ટાળતાં, અદ્વૈત થઈ રહેવાય;

મહામંત્ર મહાપુરુષનો, હંસથી ગ્રહવાય. અવિચળ૦

થાતાં તે થાયે નહિ રે, જાતાં નહિ ઝટ જાય;

પિંડ પર પરમાત્મ તે, જ્યમનો ત્યમ સદાય. અવિચળ૦

દેહભાવે દેખીએ રે, આત્મભાવે નિત્ય;

લે સમજણ ‘બૂટિયા’ રે, અનુભવીની રીત. અવિચળ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 523)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963