ગોવિંદરામ
Govindram
ભગવાં કરીને શ્વાન ભસાવે, કાઢે ગુરુનો વેશ,
દમડી કારણ ઘેર ઘેર ડેલે, રહેણી ન મળે લેશ.
એવા ગુરુથી અળગા રહિયે, ધુતારા જમ કિંકર કહીએ,
ગોવિંદરામ હરિ સ્વપ્ન ન આવે, ભગવાં કરીને શ્વાન ભસાવે. (કાઢે ગુરુનો વેશ).
ભેખમાં ભડવાપણું પેઠું, ખોઈ ધર્મની લાજ,
આગળ તે કાંઈ આવું નો’તું, આવું મંડાણું આજ;
આજ મંડાણું તે શા માટે, (તો) કામ ક્રોધ ને લોભને માટે
(કહે ગેવિંદરામ) બાનાને બદલામણ બેઠું,
(તે) ભેખમાં ભડવાપણું પેઠું. (ખોઈ ધર્મની લાજ).
સંતને વેશે બહુ ધુતારા, જગમાં ફરે અનંત,
ટોપી માળા તિલક બનાવી, નામ ધરાવ્યું સંત;
નામ ધરાવીને સંત જ થયા, કામી ક્રોધી ને લેભી જ રહ્યા,
(કહે) ગેાવિંદરામ દીસતા દુત્તા, સંત તણે વેશે બહુ ધૂત્તા. (જગમાં ફરે અનંત).
સત્યયુગ દ્વા૫ર અને ત્રેતા, ત્રણે યુગના દૈત્ય,
કલિયુગમાં સંત થયા છે, કુટુંબ કબીલા સહિત,
કુટુંબ કબીલા સહિત થયા છે, ધર્મ છેદી અધર્મ રહ્યા છે,
(કહે) ગોવિંદરામ ગયા તે કેતા, સત્યયુગ દ્વાપર અને ત્રેતા. (ત્રણે યુગના દૈત્ય).
પાખંડી પીજારાં ખાશે, ધરી સંતનેં વેશ,
સંત તણા તો લક્ષણ એમાં, જોતાં ન મળે લેશ;
જોતાં ન મળે લેશ તે કેવા, ભોળાને ભરમાવે એવા,
(કહે) ગોવિંદરામ જમપુરી જાશે, પાખંડી પેજારાં ખાશે. (ધરી સંતને વેશ).
પ્રથમ કે'શે પૈસા મેહેલે, પછી બતાવું જ્ઞાન,
એવા ગુરુના શિષ્ય થઈએ, તેમાં મોટું જાન;
તેમાં મોટું જાન જ થાયે, ગુરુ શિષ્ય બે નર્કે જાયે,
(કહે) ગોવિંદરામ પછે કરે ચલો, પ્રથમ કે’શે પૈસા મેહેલો (પછી બતાવું જ્ઞાન).
બગડ્યાં બે બાવો ને બાવી, નવરાં લે છે નામ,
કાન ફૂંકીને કનક ભરાવ્યાં, કંઈકે બગાડ્યાં ગામ;
કંઈકે બગાડ્યાં ગામ તે કેવાં, અંધ ગુરુનાં ચેલાં એવાં,
(કહે) ગોવિંદ ગુરુગમ તો ના’વી, બગડ્યાં બે બાવો ને બાવી. (નવરાં લે છે નામ).
ગુરુ મરીને શ્વાન જ સરજે, (ને) શિષ્ય જીંગોડા થાય,
ધૂતી શિષ્યનું ધન હર્યું છે, તે ખમી કેમ શકાય;
ખમી કેમ શકાય, તે એવું, જે ધૂતીને ધન લીધું કેવું,
આગળ ગુરુ ને વાંસે ચેલો, બંને નર્કે જાય (ને) શિષ્ય જીંગોડા થાય.
અસંતને આદર ન કરીએ, પૂરણ લાગે પાપ,
તુલસીદાસે રામ કથામાં, કહ્યું છે આપોઆપ;
કહ્યું છે આપોઆ૫ તે કથી, (એને) પગે લાગ્યાનું પુણ્ય જ નથી,
(કહે) ગેાવિંદ વિખ ખાઈને મરીએ, (પણ) અસંતને આદર ન કરી (પૂરણ લાગે પાપ).
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
