are guruji wachan tano warsad - Bhajan | RekhtaGujarati

અરે ગુરુજી વચન તણો વરસાદ

are guruji wachan tano warsad

કરમશી ભગત કરમશી ભગત
અરે ગુરુજી વચન તણો વરસાદ
કરમશી ભગત

અરે ગુરુજી વચન તણો વરસાદ

અરે ગુરુજી વચન તણો વરસાદ, પથરા નવ ભીંજે રે,

એવા અનંત કરો રે ઉપાય, આત્મ નવ રીઝે રે.

અરે ગુરુજી કથાન કળજુગ માંય, સપનામાં નવ હોય સાચું રે,

એવા ખોટા ખોટા સમ ખાય, સત્સંગ વિના કાચું રે... અરે૦

અરે ગુરુજી અંતર એના ઊંડા રે અપાર, અવિનાશીથી અળગા રે,

એવા સમજે કોઈ સંત સુજાણ, હેતે હરિને વળગ્યા રે... અરે૦

અરે ગુરુજી શંખાસુર સમુદ્રની માંય, મૂળ સ્વરૂપ મેલ્યું રે,

એવું ખોટે રે ખોટું દેહી અભિમાન, અંતરમાં રહેલું રે... અરે૦

અરે ગુરુજી પ્રગટ કરે રે પોકાર, એકેય ઉરમાં નવ આણ્યા રે,

એવા અનેક ધર્યા છે અવતાર, અખંડ બ્રહ્મ નવ જાણ્યા રે... અરે૦

અરે ગુરુજી મૂળ મહેલની માંહી, દૃઢ આસન વાળ્યાં રે,

એવા અનહદ અપરંપાર, ગુણપતિ નિહાળ્યા રે... અરે૦

અરે ગુરુજી શીલ સંતોષની માંહી, સુરતાએ સાંધ્યું રે,

એવા ગુરુ રે મોરારનું બાન, શૂન્ય ચક્કરમાં લાગ્યું રે... અરે૦

અરે ગુરુજી હદ રે મેલીને અનહદ માંહી, વાજિંત્ર વાગ્યાં રે,

એવા ‘કરમશી’ દાસને મળ્યા ગુરુ આનંદરામ, તેનાથી આત્મરામ જાણ્યા રે... અરે૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001