અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે
Anubhavni ne eklu aanand ma rahevu re
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે;
ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ ન કહેવું રે.
એક જ જાણી આત્મા, કોઈને દુઃખ ન દેવું રે;
સુખ દુઃખ આવે સહેજમાં, તે તો સહીને રહેવું રે. અનુ૦
ઊર્મિને બીજી તૃષ્ણાથી, અળગું રહેવું રે;
સમદૃષ્ટિ સમતાને ગ્રહી, આપ ખોવું રે. અનુ૦
આદિ અંત મધ્ય, એકાદ્વૈત ભાસ્યું રે;
આતમાના ઉદય થકી, અજ્ઞાન નાસ્યું રે. અનુ૦
વેદ જોયા પુરાણ જોયાં, સરવે તપાસી;
રામના નામથી કોઈ ન મોટું, સંત ઉપાસી. અનુ૦
સદગુરુને સેવતાં મારું, મનડું મોહ્યું રે;
‘કૃષ્ણ’ કહે મહાપદમાં, એક ચિત્ત પ્રોયું રે. અનુ૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
