Alya bhul ma bhul ma bhakti bhudhar tani - Bhajan | RekhtaGujarati

અલ્યા ભૂલ મા ભૂલ મા, ભક્તિ ભૂધર તણી

Alya bhul ma bhul ma bhakti bhudhar tani

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
અલ્યા ભૂલ મા ભૂલ મા, ભક્તિ ભૂધર તણી
નરસિંહ મહેતા

અલ્યા ભૂલ મા ભૂલ મા, ભક્તિ ભૂધર તણી, કારમી માયા જોઈ કાં રે હરખો;

સ્વપ્નની વાર્તામાં, શું રે રાચી રહ્યો, પ્રેમ દૃષ્ટે કરી હરિને નરખો. - અ૦

શાને તેં દેહ ધરી, સમરને શ્રી હરિ, આવ્યો સંસારમાં શું રે કરવા;

માયાની જાળમાં, મોહ પામી રહ્યો, અવનિ પર અવતર્યો ભાર ભરવા. - અ૦

ભક્તિ કારણ જોને, ભૂધરે દેહ ધરી, ભાવે ભરવાડની છાશ પીધી;

શંકર ઉગારીને, ભસ્માંગદ મારિયો, આપી કૈલાસ ઉમિયા રે દીધી. - અ૦

લોકની લાજ, મરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાવો;

મનના મનોરથ પૂરશે માવજી, તજી સંસાર વૈકુંઠ જાવો. - અ૦

દેહ દમન ષટ્ કર્મથી વેગળો, સાધનવાળો જો જગ્ન જાગે;

‘નરસૈયા’ચા સ્વામી, સબળ વશ ભક્તિને, અવર ઉપાય નહીં દેહ તાગે. અ૦

સ્રોત

  • પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1944