અલખ નામ સાચું રે
Alakh naam sachu re
ગૌરીશંકર
Gaurishankar
ગૌરીશંકર
Gaurishankar
અલખ નામ સાચું રે, ભાઈ આ ભવમાં;
રાગી બની રાચું રે, કાચું હૈયું તું કર મા.
આભમાંહી જ્યમ અબ્રની છાયા, મારુત વાતાં વિખરાય,
તેમ પાયા વિનાની કાયા એવી, જલદી વણસી જાય;
ભરોસો જરી તેનો રે, ધીરો બની તું ધર મા. અલખ૦
કામાદિક જે શત્રુ મોટા, પૂંઠે લાગ્યા છે જાણ,
ગાફલ થતાં ગમાર તુજને, કરશે મોટી હાણ;
માટે ચેતી ચાલો રે, પડતા શાને છો દવામાં? અલખ૦
સગાં સહોદર કટુંબ કબીલો, છે માયાની જાળ,
મારું મારું કર મા મૂરખ, છે સહુ આળપંપાળ;
પ્રીતે પ્રભુ ભજવો રે, ફસાવું નહીં કો’ ફંદમાં. અલખ૦
જયશંકરતન ગવરી કેરાં, સાંભળીને ઉદ્દગાર,
રટો નિરંતર નામ નિરંજન, જે છે મોક્ષનું દ્વાર;
નીતિ રીતિ ધરતા રે, જાશો નહીં જમપુરમાં. અલખ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 189)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
