Aek rank sapnama raja thayo re - Bhajan | RekhtaGujarati

એક રંક સપનામાં રાજા થયો રે

Aek rank sapnama raja thayo re

ગણપતરામ ગણપતરામ
એક રંક સપનામાં રાજા થયો રે
ગણપતરામ

એક રંક સપનામાં રાજા થયો રે,

કરે ભૂપ ભિખારીનું કામ,

સહુ કૌતકની વાત એક સાંભળે રે.

જે જાગે તેને જૂઠું પડે રે,

ઊંઘે તેના હૈયામાં હામ. સહુ૦

અરસપરસ વરતે એકએકમાં રે,

જુએ સાચું કોઈ જણાય. સહુ૦

છે જૂઠું ને સાચું જાણિયું રે,

તો ડાહ્યા કે ગાંડા ગણાય? સહુ૦

નર કહે છે નારી માહરી રે,

નારી કહે છે મારે નાથ. સહુ૦

પતિ મૂકીને ચાલે પ્રેમદા રે,

નરે છોડ્યો તે સુંદરીને સાથે. સહુ૦

બાજીગરે ખેલ બનાવિયો રે,

જાણે કોઈક સંત સુજાણ. સહુ૦

કળા કોઈ જાણે કિરતારની રે,

કરે વહાલાને વેદ વખાણ. સહુ૦

સાચું જૂઠું છે સુખ સંસારનું રે,

તેમાં કરો કલ્યાણનુ કામ. સહુ૦

ભવસિંધુ તરો ભક્તિ વડે રે,

ગુરુ ગાય તે ‘ગણપતરામ’. સહુ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963