Aayushy ochu aasha nav lambi aadaro re - Bhajan | RekhtaGujarati

આયુષ્ય ઓછું આશા નવ લાંબી આદરો રે

Aayushy ochu aasha nav lambi aadaro re

ગણપતરામ ગણપતરામ
આયુષ્ય ઓછું આશા નવ લાંબી આદરો રે
ગણપતરામ

આયુષ્ય એાછું આશા નવ લાંબી આદરો રે.

ઝાપટથી દીપક ઠરી જાશે, જનમ્યું તે સરવે મરી જાશે;

થનાર વસ્તુ થાશે, ઉરમાં ધરો રે. આયુષ્ય૦

વીજળીનું જેવું અજવાળું, ભવનું સુખડું એવું ભાળ્યું;

રાખી નેમ રૂપાળું, વિઠ્ઠલને વરો રે. આયુષ્ય૦

પડવાનું છે તનડું પળમાં, જેવો ૫રપોટે છે જળમાં;

શીદ ફરો છો છળમાં? તેથી નહિ તરો રે. આયુષ્ય૦

સમજી લ્યો વાદળની છાયા, મિથ્યા જુગની એવી માયા;

કામ આવે કાયા, કૃત્ય સારાં કરો રે. આયુષ્ય૦

સમરી લ્યો ‘ગણપત’નો સ્વામી, પૂરણ પદને લ્યો પામી;

બળિયો છે બહુનામી, એનો આશરો રે. આયુષ્ય૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963