રાવો
Ravo
આવજો આવજો આવજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવે, સૌ આવજો.
રે ગોરી ગરબે રમવા સૌ આવજો રે,
સૌ સરખી સાહેલીને લાવજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજજો.
નવરાત્રિ રાસ અમે માંડ્યા છે આજે,
રૂડી રાતલડી અજવાળી રાજે;
રે તમે હૈયાના ભારને ઉતારજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવેજો.
આંગણે અમારે સ્વર્ગ ઉતારશું,
દેવ-દેવીને રાસ રમવા બેલાવશું;
રે અંબા બહુચરી ને કાલિકા તેડાવશું રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજો.
અંબાની આશિષ ને દુર્ગાની દયા,
લક્ષ્મીની લહેર ને કાળીની કૃપા;
રે તમને જોઈએ તો વહેલાં પધારજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજો.
દિલનાં નૈવેદ્ય ને હૈયાના હોમ છે,
ચિત્તનાં ચંદન તણી પૂજાનો નેમ છે;
રે બહેની ભક્તિનાં જળ ભરી લાવજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજો.
માતાના રાસ અને શક્તિનાં ગાણાં,
ગાવાને ગોરી આ આવ્યાં છે ટાણાં;
રે ભક્તિગાન ગાઈ માને રિઝાવજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજો.
દેવીઓ ને જોગણીઓ જાતે પધારશે,
ચોકે ચોકે રૂડો રાસ રચાવશે;
રે તમે આવ્યા અવસરને વધાવજો રે,
અમે રાસ રચ્યો છે, સૌ આવજો.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 708)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
