આવી એકાદશી, આજ સુખદાયકા
Aavi aekadashi aaj sukhdayka
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
આવી એકાદશી, આજ સુખદાયકા,
લાયકા વિષ્ણુપદવીની દાતા. આવી૦
કીધે એકાદશી, ભક્તિ દિલ રહે વસી,
હરજી આવે હસી, હૃદયમાંહી;
ઇંદ્રિયો સહિત મન દમન કરી અર્પવું,
ભાવ કરી એમના ચરણમાંહી. આવી૦
મેઘ જેમ સર્વનું બીજ, તેમ ધર્મનું,
મૂળ એકાદશી, જુકતે જાણી;
શાસ્ત્રે વેદાંત પુરાણમાં ભાગવત,
વાણીમાં શ્રેષ્ટ જેમ વેદવાણી. આવી૦
દેવમાં શ્રીહરિ, તીર્થમાં જાહ્નવી,
સર્વફલદાતા જેમ શંભુ કહીએ;
વર્ણમાં વિપ્ર જેમ, તુલસી તરુવર વિષે,
એમ એકાદશી વ્રત લહીએ. આવી૦
જે રમાનાથના રંગથી રસભર્યા,
જીવ તે કેમ રહે કોના ઝાલ્યા?
અંગોઅંગે તેને આનંદ અતિ ઘણો,
કૃષ્ણકીર્તન વિષે આવે ચાલ્યા. આવી૦
પ્રેમથી આવીએ, ગાઈ–ગવડાવીએ,
શીખી–શિખાવીએ, કૃષ્ણ કહીએ;
કૃષ્ણકરુણા થકી ‘કૃષ્ણરામે’ કહ્યું,
વાજતે ડંકે વૈકુંઠ જઈએ. આવી૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 68)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
