Aatlo Sandesho mara sadagurune kahejo - Bhajan | RekhtaGujarati

આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો

Aatlo Sandesho mara sadagurune kahejo

હરિદાસ મહારાજ હરિદાસ મહારાજ
આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો
હરિદાસ મહારાજ

આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો;

સેવકને અંતરની દિલ ધરશો. સંદેશો૦

શાંતિ દાતાર છે સચિદાનંદ સ્વામી;

મનના મનોરથ પૂરણ કરશો. સંદેશો૦

મનડું ભયંકર ત્રણે તાપે તપે છે;

શાંતિ–ગંગામાં ક્યારે નહાશે? સંદેશો૦

અમૃત પર બેસી ઘડીમાં વિષ ઉપર જાય છે;

સ્થિરતામાં વાસો ક્યારે થાશે? સંદેશો૦

કોઈક સંસ્કારે શરણું મળ્યું છે આ૫નું;

કૃપા કરીને દેષ કાપો. સંદેશો૦

અજ્ઞાની જીવ જરીય જ્ઞાન જાણે;

અખંડાનંદ આશિષ આપો. સંદેશો૦

ક્યારે વૈરાગ્ય થાશે નક્કી નિર્મળા;

દયા કરીને ઉત્તર દેજો. સંદેશો૦

જે જે પ્રકારે પ્રભુ પ્રસન્ન થાય છે;

તે તે કહેવાનું સર્વે કહેજો. સંદેશો૦

પાછા નવ પડીએ છેલ્લી ટૂંકે જઈ અડીએ;

જબરી હિંમત એવી જોઈએ. સંદેશો૦

કહે છે ‘હરિદાસ’ એમ હરિકૃપાથી;

પરબ્રહ્મ સાથે ચિત્ત પ્રોઈએ. સંદેશો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 773)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963