આજ મારાં નયણાં સફળ થયાં
Aaj mara nayana safal thya
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
આજ મારાં નેણાં રે સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી,
સુંદર વદન નિહાળતાં, મારા હૃદયમાં હરખી. – આજ૦
જે મારા મનમાં હતું, તે વ્હાલાજીએ કીધું;
પ્રેમેથી પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. – આજ૦
જોગી રે જંગમરે સેવડા, તેના સ્વપ્નમાં ના આવે;
ભાગ ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે. – આજ૦
ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
ધન ધન આ ભૂમિને, જ્યાં વ્હાલો રમિયા છે રાસ. – આજ૦
અંતરીક્ષથી દહુ દેવતા, ત્યાં જોવાને આવે;
થાળ ભર્યો સગ મોતિયે, નાગર ‘નરસી’ વધાવે. – આજ૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 438)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
