Aaj mandap aanand vartyo ji - Bhajan | RekhtaGujarati

આજ મંડપ આનંદ વરત્યો જી

Aaj mandap aanand vartyo ji

શીલદાસ શીલદાસ
આજ મંડપ આનંદ વરત્યો જી
શીલદાસ

જી રે સંતો, આજ મંડપ આનંદ વરત્યો જી,

તમે જતિ રે સતી મળી જાગો હાં,

જી રે સંતો, પ્રેમે રે ગુરુજીના પાવ પખાળો જી,

અને તમે મનગમતાં ફળ માગો હાં.

જી રે સંતો, પ્રથમ પારવતીએ શિવજીને પૂજ્યા જી,

તો મુક્તિના ધરમ માટે હાં,

જી રે સંતો, ધન્ય ધન્ય બીજ રે ધરમનું માતમ જી,

તો સાટવ્યું શિર સાટે હાં.

જી રે સંતો, બ્રહ્મા ને બ્રહ્માણી ઈશ્વર ને પારવતી જી,

તો પંથ રૂડાને પરવરિયાં હાં,

હંસ ગીતાનો હાર હારદ લઈને જી,

તો ધર્મ લાખેણો વરીએ હાં.

ઇન્દ્ર ને ઇન્દ્રાણીને માટે જી

જેણે ઓળખ્યા આદ્ય સ્વામી હાં,

જી રે સંતો, અન તો દાન લઈને ઇન્દ્રને કરાવ્યાં જી,

ત્યારે વિક્ષની વેદના વામી હાં.

જી રે સંતો, વિરોચન રાજા બ્રહ્માની પાસેથી,

રૂડો ધર્મ રૂદામાં ધાર્યો હાં,

પણ પાછું રે વાળીને પૂછી નવ જોયું જી,

ત્યારે હાથે રે કરી ભવ હારશો હાં.

જી રે સંતો, ભક્તિ ને ભોળાપણું ભેગું હાલે જી,

અને તમે ચતુરાઈથી ભક્તિ ખોજો હાં,

‘શીલદાસ’ કહે છે છેલ્લો જનમ છે જી,

પછી જોગ મળે તે જો જો હાં.

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 136)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925