awone atamram, aapne gyan sambhliye - Bhajan | RekhtaGujarati

આવોને આતમરામ, આપણે જ્ઞાન સાંભળીએ

awone atamram, aapne gyan sambhliye

ગણપતરામ ગણપતરામ
આવોને આતમરામ, આપણે જ્ઞાન સાંભળીએ
ગણપતરામ

આવોને આતમરામ, આપણે જ્ઞાન સાંભળીએ,

એવી પ્રેમની તે રીત, રૂડી પાળીએ હેજી.

કરીએ સત્યનો વિચાર, સતિયાં હોય નર ને નાર,

સતે ચાલે છે સંસાર, સતે મેઘ વરસે ધાર... આવો૦

પીતળ પીળું તો દેખાય, જ્યારે સેાની પાસે જાય,

તો અગ્નિમાં તપાય, ત્યારે એની કીમત થાય... આવો૦

મેાતી મીણિયાં ધોયે, એનું નીર ઊતરી જાય,

ભાંગે કદી સધાય, એનું મૂલ તે શું થાય... આવો૦

હીરા ઝવેરી ઘેર જાય, જ્યારે એરણમાં ઓરાય,

ખમશે ઘણ કેરા ઘાય, ત્યારે મૂલથી વેચાય... આવો૦

જ્યારે સભાઓ ભરાય, સાધુસંત ભેળા થાય,

સતની છાપ છપાય, ત્યારે ભક્ત તો કહેવાય...આવો૦

ગુરુની ગમ વિના ગાય, તો મૂરખા રે કહેવાય,

એનો મોક્ષ તો નવ થાય, નુગરા નરક માંહી જાય... આવો૦

પ્રેમનો પાટ તો મંડાય, પીરની જોત્ય પ્રગટાય,

મનની માંડવી રચાય, દિલ શુદ્ધ દાન તો દેવાય... આવો૦

ગંગા સમુદ્રમાં જાય, ત્યારે એક રૂપે થાય,

તેમાં નર નારી નાય, તેનો મોટા છે મહિમાય... આવો૦

આસન પદમ તે બંવાય, સોહમ જાપ તો જપાય,

ત્યારે સિદ્ધ કારજ થાય, ત્રિકુટી ધ્યાનમાં દેખાય... આવો૦

તૃષ્ણા તરત મટી જાય, આતમરૂપ તો ઓળખાય,

તેનો જીવ તે શિવ થાય, એનો ગુરુ ‘ગણપત’ ગાય. આવો૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 108)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925