રતનીબાઈ
Ratnibai
આધાર ને હું તો રે, હરિ મને તાહરો રે હું અબળા મેઘવાળ નાર,
પ્રીતલડી ને હું તીરે, પેલા ભવતણી રે ત્રિકમજી મેલી કેમ રે વિસાર
આધાર ને હું તો રે...
પટકુળ પ્રેમદાનાં રે, પ્રીતે પૂરિયાં રે રાખી દુષ્ટ સભામાં વળી લાજ,
દીન જાતિને રે, અમને ક્યાં કરો રે મહેતાજીને મુકાવો મહારાજ
આધાર ને હું તો રે...
ગ્રાહ થકી રે, ગજ મુકાવિયો રે વહારે તમે ધાયા અડવાણે ચરણ
દાસનાં દોહ્યલાં રે, તમે સહી નવ શકો રે શું સૂતા છે અશરા શરણ?
આધાર ને હું તો રે...
સોરઠને સઘળું રે, હરજી હસાવિયું રે, હારને ઘણી લાગી વાર,
હળવાં રે પડ્યાં રે સહુ હરખે ભર્યાં રે વારુ નહિ કીધું નંદકુમાર.
આધાર ને હું તો રે...
ગુણલા સાંભળીને રે, પ્રભુ સહી નવ શકો રે એકલા શો કરશો રે વિલાસ
દીન જાણીને રે, અમને દયા કરો રે, પૂરો અમ અબળા કેરી આસ.
આધાર ને હું તો રે...
વિનતી અમારી રે, સ્વામી તમો સાંભળો રે, છો ભક્તવત્સલ ભગવાન
કર જોડીને રે કરે છે વિનતી રે, ‘રતનબાઈ’ માગે છે રે માન
આધાર ને હું તો રે...
સ્રોત
- પુસ્તક : હરિજન લોક કવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતી ખાતું
- વર્ષ : 1970
