aa re kalajugna phorman - Bhajan | RekhtaGujarati

આ રે કળજુગના પ્હોરમાં

aa re kalajugna phorman

કાજી અનવર મિયાં કાજી અનવર મિયાં
આ રે કળજુગના પ્હોરમાં
કાજી અનવર મિયાં

રે કળજુગના પ્હોરમાં, કૂડાં થયાં રે સંસારી જી,

હવે રે અમારા સદ્‌ગુરુ, લાજ રાખે અમારી જી... રે૦

કામ ક્રોધ ઘણો વાપર્યો, મોહ મમતા અપારી જી,

ઘણા રે અભિમાન આવિયા, સંતો ચલો વિચારી જી... રે૦

ઓહંગ સોહંગ પર ચિત્ત ધરો, પેલા આપાને મારી જી,

અખંડ અમર જ્યોત જાગશે, તેને લોને સંભારી જી... રે૦

સૂન મહાસૂનમાં જઈ રહો, પાંચ પચીસને મારી જી,

ત્યાં નિર્મળ નૂર દેખશો, સુણો સત બ્રહ્મચારી જી... રે૦

ત્યાં તૂર વાજાં છે ઘણાં, ધૂમધામ છે ભારી જી,

તે ઘર અલખ બિરાજિયા, માનો વાત અમારી જી... રે૦

પ્રેમ પ્યાલા સંતો ચાખીએ, મેલ મનનો ઉતારી જી,

અગમ અગોચર ખોળીએ, ત્યાં મળે મઠધારી જી... રે૦

સાચા શબ્દ છે બોલિયો, દાસ ‘જ્ઞાની’ ઉચારી જી,

સદ્‌ગુરુ સાહેબનાં ચરણ પર, નિત્ય જાઉં હું વારી જી... રે૦

રસપ્રદ તથ્યો

આ ભજન કામ, ક્રોધ, મોહ વગેરે દુર્ગુણો દૂર કરી સમાધિસ્વરૂપે સમજાવી બ્રહ્મજ્ઞાન બતાવે છે.

સ્રોત

  • પુસ્તક : અનવર કાવ્ય (ગુલશને ખુશી) (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : શેઠ હઠીસંગ ચુનીલાલ
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સુરત