Aa ghadie - Bhajan | RekhtaGujarati

એકલડાના બેલી,

રામાપીર, વા’રું કરજો વે’લી રે,

આ ઘડીએ જી.

કાયા નગરીને કાચો કોટ,

એમાં જમડે મારી દોટ,

જીવડાને લેવા ચાલી ચોટ રે,

આ ઘડીએ જી... એકલડા૦

મન, તું મેવાડો થા,

ગઢ રુણેજામાં જા,

સૂતા પીર રામદેને જગાડો રે,

આ ઘડીએ જી... એકલડા૦

પીર, લીલો ઘોડો છોડ,

વણ પલાણે ધરોડ,

સાથે લેજો વીરમદેની જોડ રે,

આ ઘડીએ જી... એકલડા૦

પીરે ઘોડો છોડ્યો ઝટ,

ઠેકાડ્યો રુણેજાનો કોટ,

જમડાને મારી દીધો ઠોંક રે,

આ ઘડીએ જી... એકલડા૦

પીરે ભાલા મર્યા ભમ્મ,

જમડાનો કાઢી નાખ્યો દમ,

હવે મારો તો વીરમદેના સમ રે,

આ ઘડીએ જી... એકલડા૦

જમદૂત ભાગ્યા જાય,

એણે વળી ક્યે છે ધરમરાય,

ઈ ઘેર જાજો મા, મારા ભાઈ રે,

આ ઘડીએ જી... એકલડા૦

‘સામત બારોટે’ ગાયો,

રામદાસે સુધાર્યો,

મે’મા મારા વાલાજીનો વધાર્યો,

આ ઘડીએ જી... એકલડા૦

એકલડાના બેલી,

રામાપીર, વા’રું કરજો વે’લી રે,

આ ઘડીએ જી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991