barmasi - Barmasi | RekhtaGujarati

બારમાસી

barmasi

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ

નાની સરખી તળાવડી

ને તળાવડી પર આંબો,

આંબો મ્હોરે ઝળૂંબિયો

મારો પંથ ઘણો રે લાંબો

સહિયર, પંથ ઘણો રે લાંબો.

કારતક કળી કૉળી નહિ

ને માગસર મનનો માની;

પોષે પૂનમ પારકી

મારી માહે માળ ભીંજાણી

મારા મનની મને સમાણી,

સખી, મારા મનની મને સમાણી!

ફાગણ ફૂલફોર્યો નહિ,

સખી, ચૈતર ચૂવ્યો ચોક,

વૈશાખ વગડે વહી ગયો,

નહિ જેઠે જામ્યો જોગ

સખી, કવળા જગના લોક

મારે અવળા સૌ સંજોગ.

અષાડ અધડૂકો ગયો

ને શ્રાવણ શૂળી પેર,

ભાદરવો ભીંજ્યો નહિ

ને આસો પેલી મેર

મારી વીખરી નાજુક સેર,

સખી, મારી વીખરી નાજુક સેર.

બારમાસી નહિ પાંગરી

ને તળાવડી પર આંબો

આંબો મ્હોરે ઝળૂંબિયો

મારો પંથ ઘણો રે લાંબો

સખી, મારો પંથ ઘણો રે લાંબો

સહિયર, પંથ ઘણો રે લાંબો!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 737)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007