barmasi - Barmasi | RekhtaGujarati

કારતકમાં શી કરી ઝંખના!

માગશરમાં મન મોહ્યાં સાજન!

પોષે રોષ કીધા કંઈ કપરા

માઘે મબલખ રોયાં સાજન!

ફાગણમાં હોળી પ્રગટાવી

ખુદને આપણ ખોયાં સાજન!

ચૈતરમાં ચંપો મૂરઝાયો

વૈશાખી વા જોયા સાજન!

જેઠે આંધી ઊઠી એવી

નેણ આષાઢી લ્હોયાં સાજન!

શ્રાવણનાં શમણાનાં મોતી

ભાદરવે ક્યાં પ્રોયાં સાજન!

આસોમાં સ્મરણોના દીવા

રુંવુ રુંવે રોયાં સાજન!

સ્રોત

  • પુસ્તક : નક્ષત્ર (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : પુરુરાજ જોષી
  • પ્રકાશક : બકુલા પુરુરાજ જોષી
  • વર્ષ : 1979