‘wish’nun ‘wishaya’ - Akhyan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘વિષ’નું ‘વિષયા’

‘wish’nun ‘wishaya’

પ્રેમાનંદ પ્રેમાનંદ
‘વિષ’નું ‘વિષયા’
પ્રેમાનંદ

વિષયાએ વિમાશી જોયું, પુરુષને હું નર્ખું;

અન્ય પશુ, પક્ષી તે માનવ, નથી કોય હ્યાં સરસ્યું.

રખે ચતુર તુરી કેહેતો સ્વામીને, જાગશે તો શું થાશે;

નિદ્રાવશથી કેમ ઉઠાડું, પછે શું કહેવાશે.

'હે અશ્વ! તું અતિ અનુપમ, તારું રૂડું વાન;

માગી રે લેઉં છું હું માનિની, રખે કરતો સ્વામીને જાણ.

તારે રત્નજડિત મુખ મોરડો, ઉદયાચલ ઊગ્યો ભાણ;

પેગડાં તારાં પરમ મનોહર, રત્નજડિત્ર પલાણ.’

એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય;

રખે સખી સહિયર આપણી છૂપી રહીને જોય.

'નેપૂર ઝાંઝર અણવટ વિંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં;

પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નિવડિયાં,’

એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી;

મર્મે ભરતી ડગ જળમાં બગ, એમ શ્યામા સમીપે આવી.

ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, હરિવદની હરખે બેઠી;

મારા સ્વાસ લાગે, સાધુ જાગે, તે ચિંતા ચિત્તમાં પેઠી.

રખે કો દેખે સહિયર મુજ પેખે, એમ દૃષ્ટ રાખતી આડી;

પછે પિછોડી પરી કરીને, જોયું વદન ઉઘાડી.

નખશિખા લગી ચંદ્રહાસને રે, જોતી નયણે નિરખી;

હરિભક્તને દેખી હરિવદની, હૈડામાં ઘણું હરખી.

આકાશે અભ્ર અળગું થાયે, ચંદ્રબિંબ દીસે જેવું;

ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુવરનું તેવું.

સુવદન અંબુજ ઉપર ભ્રૂકુટી, ભ્રમર કરે ગુંજાર;

શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે છે મોતીહાર.

શુકચંચા અતિ ઉત્તમ, જાણે અધર બિંબ અલંકૃત;

શશિ–સવિતા શ્રવણે કુંડળ, ડાઢમકળી શું દંત.

કપોત કઠં, કર કુંજરના સરખા, હથેળી અંબુજ વર્ણ;

બાંયે બાજુબંધ બેરખા, મુદ્રિકા આદે આભ્રર્ણ.

વિશાળ રુદે ને હાર હેમનો, કટિ કેસરીના સરખી;

દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.

ધન્ય માત-તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પૂન્ય;

હીમ હાડ ગાળ્યાં સુખ ટાળ્યાં, તે એહેવો હશે તન.

જપ તપ વ્રત દેહદમન, એવી તારુણી ઘરનાર;

તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર.

મેં પાપણીએ પુણ્ય કીધું, તો કયાંથો આવો સ્વામી;

એમ દુઃખ ધરતી આંસુ ભરતી, શ્યામા શોકને પામી.

એવે એક કભાયની કસે, કાગળ બંધન દીઠો;

જોવા કારણ યૌવનાએ, તતક્ષણ છોડી લીધો.

સરનામું અક્ષર તાતના દેખી, શ્યામા મહાસુખ પામી;

શકે પત્ર લખી મોકલ્યો, પિતાજીએ મુજ સ્વામી.

“સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને, મદન કુંવર બળવંત;

અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો ગુણવંત.

રૂપ જોશો, રંગ જોશો, પૂછશો ઘરસૂત્ર;

મુહૂર્ત ઘટી કોને પૂછશો, એને વિષ દેજોની પુત્ર.”

વાંચી પત્રને વિષયા બોલી, ‘ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ;

‘વિષયા’ને સાટે ‘વિષ’ લખાયું; શું કાપ્યા જોઈયે હાથ.

પત્ર લેવું તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘન થાય;

અક્ષર એક વધારું માંહે, વિષની કરું વિષયાય.’

એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;

તરણા વતે લખ્યું તારુણીએ, ધરી રુદયા મધ્યે ધીર.

નારદ કહે સાંભળ રે અર્જુન, કર્તાહર્તા અવિનાશ;

વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.

પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ;

'ઊઠી અબળા ચાલી ત્યાંથી, મુખે કહેતી વેણ,

“ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો;

મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો.”

(વલણ)

‘પત્ર લખ્યું તે લાવો સ્વામી’, એમ કહી વિષયા વળી રે;

થર થર ધ્રૂજે ને કાંઈ સૂઝે, સખી જ્યાં સામી મળી રે.

(ચંદ્રહાસ -આખ્યાન, કડવું ૧૪)

સ્રોત

  • પુસ્તક : કાવ્ય સંચય ૧ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : અનંતરાય રાવળ , હીરા પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981