પ્રેમાનંદ
Premanand
(૧)
નારદ કહે સાંભળ અર્જુન, પાસે બેઠા છે જગજીવન,
ત્યાં બાળક એકલો કરે વિલાપ, અંતર્ગત અતિ પામે તાપ.
રામ કૃષ્ણ વાણી ઊચરે, રુદન કરે, જળ નયણે ભરે,
એવે વન વિષે આવી ચમરી ગાય, પૂંછે કરીને નાખે વાય.
આવ્યા સુડા વનના કીર, ચાંચે ભરીને લાવ્યા નીર,
પંખી જાત સરવે ટોળે થયાં, પાંખે છાયા કરીને રહ્યાં.
એવે મૃગ આવી એક ઊભો રહ્યો, સુતને દેખી વિસ્મ થયો.
મૃગ સ્વામીભાવ મન આણિયો, ચંદ્રમા પડિયો જાણિયો.
એવી આશંકા મૃગે મન ધરી, ચાટ્યું રુધિર જીભે કરી;
ત્યાં આવ્યો કૌંતલ દેશનો રાય, કુલિંદ નામ તેનું કહેવાય.
નવનિધ અષ્ટમાસીધ ઘરસૂત્ર, પેટ ન મળે એકે પુત્ર,
તે રાજા મૃગયા નીકળ્યો, મહાવનમાં એક મૃગલો મળ્યો.
સારંગ ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું મૂઓ નિર્વાણ;
મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કુરંગ કેડે થયો.
આગળ જાતાં મૃગ થયો અંતર્ધાન, ઊભો રાજા ને થયો મધ્યાહ્ન.
ભૂલ્યો ભૂપતિ નગરની વાટ, એટલે થયો મનમાં ઉચાટ.
એક વૃક્ષ તળે ઊભો ભૂપાળ, એવે રોતો સાંભળ્યો બાળ;
રામ કૃષ્ણ કી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન.
જોવા અર્થે અશ્વથી ઊતર્યો, કુંવર ભણી કુલિંદ પરવર્યો;
રાજા આવતો દીઠો જેટલે, પશુ પક્ષી નાઠાં તેટલે.
અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરાં થયે કુંવર શોભે તેમ;
વાસવ વિરંચિનો અવતાર, એ ન હોયે માનુષ તણો કુમાર.
તત્ક્ષણ રાય તજી આવિયો, પ્રેમે પુત્રને બોલાવિયો,
'કહે કુંવર તું કોણ છે જાત, કોણ પિતા કોણ તારી માત?'
મહારાજાનાં સુણી વચન, વળતું બોલ્યો સાધુ જન:
'માતા પિતા મારે નથી કોય, આધાર એક અચ્યુતો હોય.'
એવું સાંભળી હરખ્યો ભૂપાળ, 'મુને કેશવજી થયા કૃપાળ,
પરમેશ્વરે મુને આપ્યો કુમાર, ઊઘડ્યાં મારાં વાંઝિયાં બાર.'
પછે સુતની કીધી આશ્વાસન, તેડી દીધું આલિંગન;
પ્રેમશું પુત્રને હૃદે ધર્યો, પહેરાવી વસ્ત્ર ને સાંસતો કર્યો.
રાય અશ્વે થયો અસવાર, નરપતિ સાથે ગયો નગર મોઝાર,
પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી.
રાણીને જઈ નામ્યું શિર, 'તમને તુષ્ટમાન થયા જગદીશ;
પાંચ વર્ષનો હરિએ આપ્યો બાળ, એ લઈ આવે છે ભૂપાળ.'
(વલણ)
ભૂપાળ બાળકને લાવે માતા, હરખ્યું રાણીનું મન રે,
કર જોડી કહે ભટ્ટ પ્રેમાનંદ, સામી આવી સ્ત્રીજન રે.
* * *
(૨)
વિષયાએ વિમાસી જોયું, એ પુરુષને હું નરખું,
અન્ય પશુ, પક્ષી તે માનવ, નથી કોય હ્યાં સરસ્યું.
રખે ચતુર તુરી કેહેતો સ્વામી, જાગશે તો શું થાશે;
નિદ્રાવશથી કેમ ઉઠાડું, પછે શું કહેવાશે.
'હે અશ્વ! તું અતિ અનુપમ, તારું રૂડું વાન;
માગી રે લઉં છું હું માનિની, રખે કરતો સ્વામીને જાણ.
તારે રત્નજડિત મુખ મોરડો, ઉદયાચળ ઊગ્યો ભાણ;
પેંગડાં તારાં પરમ મનોહર, રત્નજડિત પલાણ.'
એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય;
રખે સખિ સહિયર આપણી છૂપી રહીને જોય.
નેપૂર ઝાંઝર અણવટ વીંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં;
પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીવડિયાં.
એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી;
મર્મે ભરતી ડગ, જળમાં બગ, એમ શ્યામા સમીપે આવી.
ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, હરિવદની હરખે બેઠી;
મજ શ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા તે ચિત્તમાં પેઠી.
રખે કો દેખે સહિયર મુજ પેખે, એમ દૃષ્ટ રાખતી આડી;
પછે પિછોડી પરી કરીને, જોયું વદન ઉઘાડી.
નખ શિખા લગી ચંદ્રહાસને રે, જોતી નયણે નિરખી;
હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી.
આકાશે અભ્ર અળગું થાયે, ચંદ્રબિંબ દીસે જેવું;
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુવરનું તેવું.
સુવદન અંબુજ ઉપર ભ્રૂકુટી, ભ્રમર કરે ગુંજાર;
શકે શશિબિંબ પૂંઠે તારા, એવો શોભે છે મોતીહાર.
શુક ચંચા અતિ ઉત્તમ, જાણે અધર બિંબ અલંકૃત;
શશિ–સવિતા શ્રવણે કુંડળ, દાડમ કળી શા દંત.
કપોત કઠં, કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરણ;
બાંયે બાજુબંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ.
વિશાળ હૃદે ને હાર હેમનો, કટિ કેસરીના સરખી;
દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભુરકી.
ધન્ય માત તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પુન્ય;
હિમે હાડ ગાળ્યાં, સુખ ટાળ્યાં, તો એવો હશે તન.
જપ તપ વ્રત દેહદમન, એવી તારુણી ઘર નાર;
તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર.
મેં પાપણીએ પુન્ય ન કીધું, તો ક્યાંથો આવો સ્વામી?;
એમ દુઃખ ધરતી આંસુ ભરતી, વિષયા શોકને પામી.
એવે એક કભાયની કસે, કાગળ બંધન દીઠો;
જોવા કારણ યૌવનાએ, તતક્ષણ છોડી લીધો.
સરનામું અક્ષર તાતના દેખી, બાળા મહા સુખ પામી;
શકે પત્ર લખી મોકલ્યો, પિતાજીએ મુજ સ્વામી.
સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને, મદન કુંવર બળવંત;
અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો ગુણવંત.
રૂપ ન જોશો રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર;
મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને विष દેજોની પુત્ર.
વાંચી પત્રને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ;
વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ.
પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય;
અક્ષર એક વધારું એ માંહે, विषની કરું विषयाય.
એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર;
તરણા વતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર.
નારદ કહે સાંભળ રે અર્જુન, કર્તા હર્તા અવિનાશ;
विष ફેડી विषया કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.
પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ;
ઊઠી અબળા ચાલી ત્યાંથી, મુખે કહેતી વેણ.
'ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો;
મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો.'
(વલણ)
પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષયા વળી રે;
થર થર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી જ્યાં સામી મળી રે.
* * *
(૩)
વિષયા જુએ સ્વામી વાટ રે, લાગી વાર થયો ઉચાટ રે;
એેવે સ્વામી આવતો દીઠો રે, અમૃતપેં લાગ્યો અતિ મીઠો રે.
ચંદ્રહાસે જોયું ગામ રે, દીઠો નાનપણાનો ઠામ રે.
'હ્યાં હું બાળક સાથ વઢતો રે, નિશાએ ઓટલે પડતો રે;
હ્યાં ભિક્ષા માગીને જમતો રે, હ્યાં શાલિગ્રામ સાથે રમતો રે;
હ્યાં મોઈ હુતી માતા મારી રે, મુને લોક કહેતા ભિખારી રે.
એ ટળ્યા સર્વ સંતાપ રે, આ શાલિગ્રામ તણે પ્રતાપ રે.'
વિચારતાં પહોંતો રાજદ્વાર રે, જ્યાં ઊભો છે પ્રતિહાર રે;
સાધુ અશ્વથી ઊતરિયો રે, પોળિયા પ્રત્યે ઊચરિયો રે.
'જાઓ તેડો તમારો સ્વામી રે,' કહાવ્યું કુંલિંદકુંવરે શિર નામી રે.
કહો એક ઉતાવળી વાત રે, પત્ર મોકલ્યું તમારે તાત રે.
પાળિયે કહ્યો સમાચાર રે, મદને તેડ્યો કુલિંદકુમાર રે;
વેગળેથી આવતો નરખ્યો રે, ઓળખી આભ્યંતર હરખ્યો રે.
ધાઈ આલિંગન દીધું રે, આસન આપી પૂજન કીધું રે;
'ચંદ્રહાસ પધારો પરુણા રે, મુને કેશવે કીધી કરુણા રે.'
વિષયા મનમાં હરખે રે, આછું ઓઢી પિયુને નરખે રે;
એવે ચંદ્રહાસે છોડી ચિઠ્ઠી રે, પણ શિથિલ ગાંઠડી દીઠી રે.
'ધૃષ્ટબુદ્ધ રહ્યા ગામ અમારે રે, મોકલ્યું પત્ર પિતા તમારે રે;
પ્રધાન પાંચ દિવસ ત્યાં રહેશે રે, લખ્યું કામ તે કાગળ કહેશે રે.'
પત્ર વાંચી જોયું મદન રે, અતિ ઊલટ પામ્યું મન રે;
'ધન્ય તાત તણી કમાઈ રે, આવો ખોળી કાઢ્યો જમાઈ રે'
ત્યાં તેડાવ્યો બ્રાહ્મણ કોય રે, જે લગ્ન ઉતાવળું હોય રે.
એવે ટીપણું મુગટમાં ખોશી રે, ત્યાં આવ્યા ગાલવ જોશી રે.
ઋષિએ ચંદ્રહાસ આવી નરખ્યો રે, ઓળખી આભ્યંતર હરખ્યો રે.
શકે પ્રશ્ન અમારું મળિયું રે, એ વચન પૂરવનું ફળિયું રે;
પછે મદને દીધું અતિ માન રે, સંતોખ્યા ગાલવ મુનિ ભગવાન રે.
કહો મુહૂર્ત તમે ગાલવ મુન રે, ઢૂકડું ક્યારે છે લગન રે.
ગાલવ કહે 'વચન મારું માન રે, લગ્ન આજ મધ્યાહ્ન રે.
તુજ તાતે વિચાર્યું હશે પહેલું રે, વર મોકલ્યો તો મુહૂર્ત છે વહેલું રે.'
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
