પ્રેમાનંદ
Premanand
(રાગ રામગ્રી)
કહે સારથીને કર્ણ કુમારજી, સુધન્વા સામો હાંક તોખારજી;
ઘટા સેનામાં હાંક્યો રથજી, ગાજ્યો કર્ણ કુંવર સમર્થ જી.
(ઢાળ)
સમર્થ જે સંગ્રામ કામે, ગાજ્યો સુધન્વા સનસૃુખ;
તિષ્ઠ તિષ્ઠ નર તાતે તુજને, સબળ દીધું દુઃખ.
તુને તેલમાં તાતે તળ્યો, ભલાં કીધાં તીલક ભાલ;
પેણાની પ્રાપ્તિ હવી, એવો પિતા તુજ દયાળ.
તે પિતાની પક્ષ કરતાં, લાજે નહીં અજ્ઞાન;
જો શરણ આવે અર્જુનને, તો આપું જીવતદાન.
એવાં વજ્ર વાયક સાંભળી, ને બોલ્યો વૈષ્ણવજંન;
શરણ અર્જુનનું નથી માઠું, જો જડે જુગજીવંન.
શ્રીકૃષ્ણ અર્જુન એક છે, એમ વદે સરવ પુરાણ;
તુંથી ભક્તિ મારગ વેગળો, શું ગર્વ કરે છે અજાણ.
જેણે કર્ણ મરણ પમાડીયો, જે શત્રુ પાંડુ કુમાર;
તે શત્રુની સેવા કરે, તારી બુદ્ધિને ધિક્કાર.
એવાં વજ વાયક સાંભળીને, બોલ્યો કર્ણ કુમાર;
અમો કશ્યપકુળના તંન છું, તું શું કરે અહંકાર.
પિતામહ મારા વિશ્વ પ્રકાશી, કરતા હરતા સુરજ;
હું યુધિષ્ઠિરનો આજ્ઞાકારી, અર્જુનનો ભતરીજ.
હે નૃપાત્મજ રખે નાસતો, મારાં બાણ જાણીને વીજ;
તું વૈર સુચવવા સુધન્વા, શું મુકે વિષનાં બીજ.
તવ સુધન્વારે બોલીયો, તું શું કરે આપ વખાણ;
રણમાં પરાક્રમ જે કરીશ, તે જણાશે નિર્વાણ.
અમો સુરજવંશી શુદ્ધ ક્ષત્રી, પાળું અગ્નિ હોત્ર;
હું હંસધ્વજનો પુત્ર છું, મધુસૂત્ર મારૂં ગોત્ર.
પણ શૂર મારું પેખજે, જીતું તુંને પળમાત્ર;
એવું કહી શરવૃષ્ટિ કીધી, ભેદ્યું કર્ણ કુંવરનું ગાત્ર.
ત્યારે વૃષકેતુ કોપે ચડ્યો, કર્યું ધનુષ મંડલાકાર;
અસ્ત્ર મૂક્યાં તેથી અભ્ર ઢાંક્યો, રવિ થયો અંધકાર.
એક એકનાં કવચ છેદે, હય સારથી થાય નાશ;
વીરને અંગે અસ્ત્ર ચોટ્યા, દિસે પુષ્પિત જેમ પલાશ.
મહા ક્રોધિત થયા બન્યો, ઘણું જુદ્ધ લાગ્યું ધીર;
ઉભય દળ સહુ ત્રાસ પામ્યું, કરથી શસ્ત્ર પડીયાં વીર.
કર્ણ કુંવરના અંગ માંહે, મર્મસ્થ માર્યાં બાણ;
ત્યારે મૂર્છા થઇ વૃષકેતુને, પડ્યું સેનામાં ભંગાણ.
જ્યારે સુભટ સર્વ શિથીલ દીઠા, કરતા પાછા પ્રયાણ;
ત્યારે રથ હંકાવ્યો પારથે, ગ્રહ્યું ગાંજીવ પાણ.
સુધન્વા સન્મુખ આવિયો, સાચો તે ઉન્મત્ત;
ધનુષ પ્રતિંંચા ચાપ ચડાવી, પુર્યો શંખ તે દેવદત્ત.
તે સ્વર્ગ લોકે શબ્દ પહોંચ્યો, ખળભળ્યાં સપ્ત પાતાળ;
શું પાવક પ્રગટ્યો પ્રલેનો, એમ અર્જુન ક્રોધની જ્વાળ.
તે શંખનાદને સાંભળી, ને આવ્યા કપિ હનુમાન;
પારથ વીરની ધ્વજાએ બેઠા, જેમ ગિરિ ઉપર ભાણ.
(વલણ)
ભાનુવત્ છે કાંતિ જેની, સોહિયે સીતાપતિનો દાસ રે;
અર્જુનનું આવવું દેખીને, સેના પામી ત્રાસ રે.
(રાગ મારૂની દેશી)
નાસે સેના કરતી વાત, રે અર્જુન આવ્યો રે;
જેનું વીર નામ વિખ્યાત, ઓ અર્જુન આવ્યો રે.
જેને સખા શ્રી ભગવાન, રે અર્જુન આવ્યો રે;
જેની ધ્વજાએ કપિ હનુમાન, ઓ અર્જુન આવ્યો રે.
જેની નૃપતિ કરે સહુ સેવ, રે અર્જુન આવ્યો રે;
જેણે યુદ્ધે સંતોષ્યા મહાદેવ, ઓ અર્જુન આવ્યો રે.
જેણે ઇંદ્રનો ઉતાર્યો અહમેવ, રે અર્જુન આવ્યો રે;
જેણે જીત્યા દ્રોણ ગાંગેવ, ઓ અર્જુન આવ્યો રે.
જેનો પ્રતાપ પાવક સમાન, રે અર્જુન આવ્યો રે;
તેજે કરીને શું બીજો ભાણ, ઓ અર્જુન આવ્યો રે.
સીતલતાએ જેવો ચંદ્ર, રે અર્જુન આવ્યો રે;
ગંભીરતાએ બીજો સમુદ્ર, ઓ અર્જુન આવ્યો રે.
હરિશ્ચંદ્રના સરખું સત્ય, રે અર્જુન આવ્યો રે;
ગુણે કરી બીજો ગણપત્ય, ઓ અર્જુન આવ્યો રે.
જેવો રૂપે બીજે કામ, રે અર્જુન આવ્યો રે;
ધનુષધારી બીજો રામ, ઓ અર્જુન આવ્યો રે.
કૃપાએ શિવ સરખો દયાળ, રે અર્જુન આવ્યો રે;
ક્રોધે કરીને બીજો કાળ, ઓ અર્જુન આવ્યો રે.
અચળ જુદ્ધે જેવો મેર, રે અર્જુન આવ્યો રે;
ધને જીત્યો યક્ષ કુબેર, ઓ અર્જુન આવ્યો રે.
અક્ષય ભાથાએ ભગીરથ, રે અર્જુન આવ્યો રે;
નથી જીતવા કો સમરથ, ઓ અર્જુન આવ્યો રે.
(વલણ)
સમરથ જીતવા કો નથી, એમ કહેતાં નાસે વીર રે;
ઉભા રાખે છે સુધન્વા, આપે નિજ બળથી ધીર રે.
(રાગ કાફી)
ધીરજ આપી સુધન્વાએ, સૈન્ય સઘળું વાળિયું;
ભ્રગુટી ધનુષાકાર કરીને, અર્જુન સામું ભાળિયું.
સમસ્યા સારથીને કીધી, ક્રોધે રથ હંકાવ્યો;
ઉત્તરમાં ઊનાઈ જેમ આવે, તેમ અર્જુન સામો આવ્યો.
જેમ ઇંદ્રજીતના સામા આવે, લક્ષ્મણજી બળવંત;
જેમ શંકર સામા યુદ્ધ કરવા, આવે શ્રી ભગવંત.
સુધન્વા તે રીતે આવ્યો અર્જુનને રે હંકારી;
સમર તારા સારથીને તો, ઉગરે ગાંજીવધારી.
ધણ ઠામે તું જીત્યો અર્જુન, સામળિયાની સહાય;
માટે શિઘ્રે તેડ તારા સારથીને, તો અનુકુળ કંઇએક થાય.
ત્યારે અહંકાર કરી અર્જુન બોલ્યો, સામળિયો કાં સંભારૂં;
હું ભુજબળે જીતું શત્રુને, નથી સામળિયા સારૂં.
રથ હાંક્યો કુરૂક્ષેત્રમાં, હરિયે રણગણતી વાટે;
સારથી શ્રીકૃષ્ણ થયા, કંઈ જુદ્ધ શીખવા માટે.
ભીષ્માદિક સરવને જીત્યા, મૂકાવી વૈરાટ ઘેર ગાય;
તે દહાડે શું સારથી હતા, મારે જાદવ રાય.
ભીલ રૂપે થઇ વનમાં આવ્યા, જુદ્ધે પતિ કૈલાસ;
તે દહાડે શું સામળિયાજી, હુતા માહરી પાસ.
નિવાદકવચ કપોત મેં માર્યો, તે રાખ્યું ઈંદ્રાસંન;
તે દહાડે શું સારથી હતા, મારે દેવકી તંન.
એવું અર્જુનનું અભિમાન સાંભળી, બોલ્યો રાજકુમાર;
વિશ્વંભર વિશ્વવ્યાપક છે, નથી વેગળો એ લગાર.
તમો ભક્ત થઈ બોલતાં ચૂકો છો, પણ્ અમો સત્ય ન ચૂકું;
અર્જુન કૃષ્ણ આવ્યા વિના, તુને જીવતો નહીં મૂકું.
હંસધ્વજ તણો બાળકો હું, સતિ તણો સુત કહાવું;
તો તુજ પાસે ત્રિકમજીને, ત્રાહે ત્રાહે કરી તેડાવું.
એવું કહીને ધનુષ્ય તાણ્યું, સામી તે ક્રોધની મીટે;
ત્યારે દ્વિગુણી ક્રોધ કંઇ તેને વ્યાપ્યો, વૈષ્ણવનું બળ દીઠે.
ધનુષ્ય મંડલાકાર કરીને, ટંકારવ બહુ કીધો;
રીશે ભરાયો શૂર પૂર ને, શર ભાથેથી લીધો.
શત સહસ્ત્ર અયુત ધારી, લક્ષ કોટિ અપાર;
પરસ્પરે શરધારા વરસે, કો નવ પામે ઓસાર.
એક એકનાં કવચ કાપે, ધનુષ્ય પ્રતિંચા છેદે;
એક એકના સારથી પાડે, હૃદય કમળને ભેદે.
ત્યારે અસ્ત્રવિદ્યા અર્જુને સાધી, મૂક્યો હુતાશંન;
સુધન્વાએ મંત્ર બળે કરીને, વરસાવ્યો પર્જન્ય.
ત્યારે પારથે પવનાસ્ત્રી મૂક્યું, સુધન્વાએ સર્પ;
સમાન ઉતર્યા શસ્ત્ર વિદ્યાએ; સુભટ બન્યો નૃપ.
લઘુલાઘવી વિદ્યા કીધી, સુધન્વા સમર્થ;
ઘોડા વીંધી સારથ પાડ્યો, પારથ કીધો વિરથ.
(વલણ)
વિરથ કીધો અર્જુનને, એ અભિમાને શું નવ થાયરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ કીધી સામળિયે સહાયરે.
(રાગ કાફીની દેશી)
તુ તો તેડ તારા ત્રીકમને, સમર સહાય કરે ભગવાન;
અલ્યા ગર્વ કરી ભૂલે કાં કૃષ્ણને, હું ઉતારૂં તારૂં અભિમાન.
બોલ્યો સુધન્વા સમરથ, ચેત હવે માર્યો રે પારથ;
બળ જશ તેં ખોયું અભિમાને, સ્મર સાહે કરે ભગવાન.
એવું કહીને છેદ્યો રથ દંડ, કવચ કાપી કીધું શતખંડ;
ધનુષ પ્રતિંચા છેદન કરી, ઓ માર્યો અર્જુન સમર રે હરિ.
ઘોડા ચાર પાડ્યા મહારથી, મૃત્યુ તુલ્ય કીધો સારથી.
ધ્વજાએથી પાડ્યો હનુમાન, ઓ માર્યો અર્જુન તેડ ભગવાન.
સાંધી પ્રતિંચા કર્યો ટંકાર, બેઠો સારથી ઉઠ્યા તોખાર;
ગાજ્યો અર્જુન ક્રોધ જ કરી, સુધન્વાએ વિરથ કીધો ફરી.
સવ્યસાચીનું ભેદ્યું રૂદે, રૂધીર ધારા થઈ છે ઉદે;
અકળાવ્યો અર્જુન અતિઘણું, ત્યારે સ્મર્ણ કીધું કેશવજીતણું.
સામળીયા મારી કરજો સહાય,પળમાત્રમાં આવ્યા શ્રીજદુરાય;
હરી બેઠા ગ્રહી પરાણો ને રાશ, એવા સ્વામી છે અવિનાશ.
આવ્યા ઓચીંતા વનમાળી, પિતાંબરની પલવટ વાળી;
પાર્થને કહે શ્યામ શરીર, થા વહેલો તું વડહથ વીર.
ત્યારે વિસ્મે પામ્યો પાંડુકુમાર, અંત્રીક્ષ હવે કરે જયજયકાર;
સુધન્વાએ દીઠા સુંદર શ્યામ, ધનુષ મૂકી કર્યોરે પ્રણામ.
(વલણ)
પ્રણામ કીધો કૃષ્ણને, ત્યારે રીઝ્યા વૈકુંઠરાય રે;
ભટ પ્રેમાનંદ કહે કથા, સંગ્રામ કેવો થાય રે.
(રાગ સામેરી)
ત્યારે અર્જુન આશ્ચર્ય ધરતો, સ્તુતિ સામળીયાની કરતો;
પછી બોલ્યા મેઘ વર્ણ ગાત્ર, તુંથી હું અળગો નથી પળમાત્ર.
(ઢાળ)
પળ માત્ર હું અળગો નથી, છે સુક્ષ્મ પ્રીતનો પંથજી;
જીત સુધન્વાને સવ્યસાચી, એમ બોલ્યા કમલાકંથજી.
ત્યારે નૃપાત્મજને કહે અરજુન, લે ધનુષ કર સંગ્રામજી;
ભય પામ્યો દેખી ભગવાનને, શું કરે છે પ્રણામજી.
ત્યારે અર્જુનને કહે સુધન્વા, પધાર્યા સુંદર શ્યામજી;
પ્રતિજ્ઞા મારી પાળી હરીએ હવે યુદ્ધનું શું કામજી.
માત તાત ને ભ્રાત ભગની, રંક પુરના જંનજી;
સરવે પ્રાણી સંતુષ્ટ થાશે, કરી હરિ દરશંનજી.
ત્યારે પાર્થ કહે જો કાયર હતો, ત્યારે શાને ધર્યાં આયૂધજી;
અશ્વ આપીને પાયે લાગો, અથવા કરોની યુદ્ધજી.
ત્યારે સુધન્વા કહે જુધ કરવું, થા શીઘ્રે પાંડુ કુમારજી;
હરિને જોઇને સંસાર જુએ, તેની બુદ્ધિને ધિક્કારજી.
એવું કહીને ચાપ લીધું, કીધું મર્ણનું મંનજી;
સામળિયાનું શરણ પામું, છુટું આવાગમંનજી.
ત્યારે સુધન્વાને કહે અર્જુન, ક્રોધ અંતર માંહેજી;
તારૂં મુસ્તક ત્રણ બાણે છેદું નહિ તો, ચંદ્રવંશી નરકે જાયેજી.
અકસ્માત એમ અણવિચારે, પ્રતિજ્ઞા પારથે કીધજી;
રે અહંકારી કહી હસ્ત બે ઘશીયા, ધુણાવ્યું હરિએ શીશજી.
ત્યારે સુધન્વા બોલીઓ, હરિ ચર્ણ રૂદે ગ્રહું હુંયજી;
સુર્યવંશી ફરી મારા નરકે જાયે, જો ત્રણે બાણ છેદું ન હુંયજી.
થઈ દૃઢ પ્રતિજ્ઞા બેહુની, પૂર્વ જ વ્યાકુળ થાયજી;
સોમવંશી સૂરજવંશી, આવી અંતરીક્ષ ઉભા ત્યાંયજી.
સૂરજવંશી સ્તવે હરિને, સુધન્વા જીતાવોજી;
ચંદ્રવંશી સ્તવે હરિને, અર્જુનને દીપાવોજી.
ત્યારે મસ્તક ધુણાવી અર્જુન પ્રત્યે, બોલ્યા ક્રોધે શ્રીહરીજી;
આટલે જુદ્ધે નવ પડ્યો તે કેમ, મરશે ત્રણ બાણે કરીજી.
ત્યારે અર્જુણ કહે મુને ક્રોધ વ્યાપ્યો માટે બોલતાં ચુક્યો મહારાજજી;
હુંથી સુધન્વા નવ મરે, પ્રભુ રાખો મહારી લાજજી.
ધર્મસંકટ પડ્યું કૃષ્ણને, હવે પક્ષ કહોની કરૂંજી;
કોના નાંખું નરકમાં, કોના પિત્રીને ઉગારૂંજી.
સુધન્વા કરે સ્મર્ણ હરિનું, અર્જુન લાગે પાયજી;
સૂર્ય ચંદ્રને વાદ લાગ્યા, હરિ કરશે કોની સહાયજી.
અર્જુનને શ્રીકૃષ્ણ કહે, હવે શોચનાએ શું થાયજી;
મુકની ત્રણ બાણ તાહરાં, જે થનાર હોય તે થાયજી.
ત્યારે કાલ ચંદ્ર કાલાગ્ની સરખો, કીધો સર સંધાણજી;
સુધન્વાને હંકારીને, અર્જુને મૂક્યું બાણજી.
ચલકે પુઠે ઝલકે મુખે, તેજ વ્યોમે વ્યાપીયું;
ત્રણ બાણ મુકી સુધન્વાએ, આવતું તે કાપીયું.
નપુંસકની સ્ત્રી તણો જેમ, કામ મિથ્યા થાયજી;
તેમ બાણ મિથ્યા થઈ ગયું, પારથ વ્યાકુલ થાયજી.
આનંદ પામ્યા સુરજવંશી, અંત્રીક્ષ આવી રહ્યાજી;
જે ચંદ્રવંશી પારથના, તે રૂપે ઝાંખા થયાજી.
શ્રીકૃષ્ણ કહે હો સવ્યસાચી, બાણ બીજું લીજેજી;
અર્જુન કહે મુને શકતી નથી તો, શર ધરી શું કીજેજી.
એમ કહી બીજું બાણ લીધું, શ્રીકૃષ્ણે મોટું પણ કર્યુજી;
ફરશુરામ અવતારનું પુણ્ય, લઇ બાણને અગ્રે ધર્યુજી.
પહેલાં બાણ મૂક્યું હતું છાનું, પુન્ય કૃષ્ણા અવતારનું;
તે બાણ મિથ્યા થઈ ગયું, તું જો જે બળ આ વારનું.
વચન સાંભળી સામળિયાનું, ધનંજય મન હરખીયું;
કપીધ્વજ કહે ચેત સુધન્વા, ધનુષ ગાંજીવ આકર્ષીયું.
પારથ પ્રત્યે કહે સુધન્વા, ધન્ય ધન્ય પાંડુ કુમારજી;
તુજ અર્થ પુણ્ય પોતાતણું, શરમાં મૂકે વિશ્વાધારજી.
ફરશુરામે નક્ષત્રી કરી, કશ્યપને આપી ધરાજી;
આ બાણમાં તે કૃષ્ણે મૂક્યા પુણ્યના મંત્ર આકરાજી.
(વલણ)
આકરા મંત્ર ફરશુરામના, આ બાણ માંહે મુક્યા સહી;
પણ બ્રહ્મહત્યાનું પાપ મુજને, જો એ બાણ હું છેદું નહિ.
(રાગ-વેરાડીની ચોપાઈ)
એમ ઉગ્ર પ્રતિજ્ઞા કુંવરે કરી, ચેત અર્જુન શિક્ષા દે હરી;
પિત્રી દેવને વિમાસણ થાય, ફરશુરામ મંત્ર કેમ મિથ્યા થાય.
છે ઘોર પાપ બ્રહ્મહત્યાતણું, આ સમે સુધન્વા ચૂક્યો ઘણું;
ગાજ્યો અર્જુન મહા બળવંત, તાણી પ્રતિંચા કર્ણ પર્યંત.
અતુલ ભુજ બે પુરણ ભરી, મુક્યો શર મહા ક્રોધજ કરી;
ફરશુરામ પુણ્યના ઓઘ અપાર, ગાજે ચળકે અર્કાકાર.
શું વિષધર છૂટ્યો ક્રોધ ભર્યો, તેમ સુધન્વા ઉપર સંચર્યો;
ચલક ચલક ચલકારા થાય, સુભટ સર્વને હણતો જાય.
તે કાલવત દીઠો આવતો, બ્રહ્માંડ ત્રણે દીપાવતો;
અગ્રભાગ જોતાં હંસ હરે, નાના શબ્દ પુંઠે પરહરે.
દારૂણ શર જે અર્જુન તણો, સર્વે જાણ્યું સુધન્વા હણ્યો;
નૃપનંદન ધરે હરિનું ધ્યાન, ધનુષે શર્ કીધો સંધાન.
ક્રોધથી શર મૂક્યો ફરી, દિપ્તિમાન દિશા સર્વ કરી;
સુસવાટ કરી સામો સંચર્યો, અર્જુનનો શર બે કટકા કર્યો.
નિર્ધનના મનોરથ મિથ્યા થાય, તેમ બાણ મિથ્યા થયું પળમાંય;
ત્યારે ધન્ય ધન્ય (સહુએ) સુધન્વા કહ્યો, ધનંજય ત્યાં ઝાંખો થયો.
હસ્ત ઉછાળતો દીઠો અર્જુન, ધીરજ દૈ બોલ્યા જગજીવન;
તું કાઢ કીરિટી ત્રીજું બાણ, એથી સુધન્વા પડશે નિર્વાણ.
અર્જુન કહે મુને નથી વિશ્વાસ, તો હવે શું કરૂં જીત્યાની આશ;
એવું કહી કાઢ્યું એક બાણ, તે કરમાં લીધું પુરુષ પુરાણ.
મંત્ર કલ્પના કરી ગોપાળ, શરમધ્યે સ્થાપ્યા અતિકાળ;
શર પુંઠે સ્થાપ્યા કમલાસન, શરમધ્યે સ્થાપ્યા પંચવદન.
રામાવતારમાં જે પુણ્ય કર્યુ, તે બાણ માંહે લેઇને ધર્યું;
બીજા કલ્પના માત્ર જે કહી, અર્જુનને શર આપ્યો શ્રીહરી.
મૂક બાણ આ અર્જુનરાય, એ સર્વથા નહીં નિષ્ફળ થાય;
સવ્યસાચીએ શર તે ધર્યો, ત્યારે સુધન્વા વાણી ઉચર્યો.
હે અર્જન રખે કરે અહમેવ, શ્રીકૃષ્ણે સ્થાપ્યા છે ત્રણ દેવ;
રામાવતારનું મૂક્યું પુણ્ય, મારૂં મરણ વિચાર્યું મંન.
પણ શ્રીકૃષ્ણ અયુક્ત આચરે નહિ, (મુને) મુક્તિ આપવાની ઇચ્છા થઇ;
જો પ્રાપ્તિ થઇ પરમેશ્વર તણી, તો જીવત ઇચ્છા અળખામણી.
આવો સામો નવ આવે ફરી, નિજપદ મુજને આપે શ્રીહરિ;
હરિ જોઇને ફરી જોવો સંસાર, તેની બુદ્ધિ ભક્તિને ધિક્કાર.
મરણ ભય મનમાં નવ ધરૂં, પારથવીર પ્રતિજ્ઞા કરૂં;
તારૂં પણ પાળે છે જેહ, પ્રતિજ્ઞા મારી પાળશે તેહ.
મિત્રદ્રોહ સ્વામિદ્રોહ કરે, ગુરુ દ્રોહનું કર્મ આચરે;
જે મિશ્યા બોલે નિર્વાણ, તે પાપ મુને જો ના છેદું બાણ.
છલવિદ્યા સાધુ સંગાથે રમે, ભરથાર પહેલી નારી જમે;
ઉજાડે ગામ ભાંગે નવાણ, તે પાપ મુને જો ના છેદું બાણ.
જે પરસ્ત્રીને દે આલિંગન, કે દાવાનળ લગાડે વન;
જે મારગમાં રોકી લે દાણ, તે પાપ મુને જો ના છેદું બાણ.
વિશ્વાસ આપી કરે જે ઘાત, તજે સ્ત્રી પિતા ગુરુ માત;
કપટે જળમાં બોળે વહાણ, તે પાપ મુને જો ના છેદું બાણુ.
જે વેચે કન્યા પૃથ્વી ને ગાય, સ્ત્રી વા પુરુષ નગ્ન થઈને ન્હાય;
આપી ધન કરે આપ વખાણ, તે પાપ મુને જો ના છેદું બાણ.
પૂર્વજ મારા નર્કમાં જાય, લાંછન પિતામહ સુર્યને થાય;
કરે સ્નાન રજસ્વલા રૂધિર પ્રમાણ, તે પાપ મુને જો ના છેદું બાણ.
એમ ઉગ્ર પ્રતિજ્ઞા કુંવરે કરી, ગાજ્યો સૂર્યવંશી મહાબલ ધરી;
સાંભળી વાણી સુધન્વા તણી, ત્યારે અર્જુન જોયું ભૂધર ભણી.
ત્યારે કૃષ્ણ કહે કાં થાય છે વ્યગ્ર, મૂક બણ તું થાની શીઘ્ર;
સ્તેહ વચન શ્રીહરિનાં સાંભળી, સિંહનાદ કીધો મહાબળી.
નાગ ઉત્તમ બળે આકર્ષ્યું ચાપ, મૂક્યું બાણ શ્રીકૃષ્ણ પ્રતાપ;
પ્રલય સમે જેમ કોપે કાળ, મૂકે ત્રિશૂળ જેમ શ્રીપશુપાળ.
જાણે બાણ વરસતો અંગાર, જેમ આકાશથી તૂટી પડે તાર;
સુમેરૂગિરિનું શ્રૃંગ તોડશે, અથવા ગગન ગોલોક ફોડશે.
સમુદ્ર સાતેને શોશષે, કે દશે દિશાઓ શું એ લોપશે?
શું પાતાળ સપ્તનાં પડ ફાડશે, કે ઈંદ્રાસન ઉખેડી નાખશે?
એ પ્રલય બ્રહ્માંડને કરશે, તો સુધન્વા કેમ ઉગરશે?
સૂરજ ચંદ્ર વિસ્મય થાય, ઉગરે કોણ નરકે કોણ જાય?
ઘોર શબ્દ કરતું જાય બાણ, સુધન્વાએ શર કીધો સંધાણ;
શ્રીકૃષ્ણ રૂપ રૂદયામાં નરખી, સામું બાણ મૂક્યું આકર્ષી.
જેમ અંધની સ્ત્રીનો મિથ્યા શણગાર, જેમ કૃતઘ્ની ઉપર ઉપકાર;
નિર્ધનના મનોરથ મિશ્યા જાય, તેમ શર મિથ્યા કીધે પળમાંય.
જ્યારે અર્જુનનું મિથ્યા ગયું બાણ, ગયાં ચંદ્રવંશીનાં એંધાણ;
સુધન્વાનો શર સબળ ભર્યો, અર્જુનનો શર બે કટકા કર્યો.
તે જોઇને પાર્થને મુર્છા વળી, ચંદ્ર મંડળ હેઠું આવ્યું ચળી;
જ્યારે ડગ્યા પૂર્વ જ સૌ ઇંદ્ર આદ, સૂરજવંશી ગાજે ઘન નાદ
ભીષ્માદિક પિત્રી ખેદ પામતા, વિધુમંડલ પામ્યું શામતા;
હાહાકાર ત્રણ લોકમાં થાય, જે ચંદ્રવંશી નરકે જાય.
રવિવંશ કેરાં વાગ્યાં નિશાન, પણ બેઉ પક્ષ રાખશે પુરુષપુરાણ;
અર્જુનનું જે અર્ધું બાણ, મુખે થાપ્યા છે પીનાકપાણ.
પશ્ચાદ ભાગ અવનિ પર પડ્યો, અગ્ર ભાગ આકાશે ચડ્યો;
અર્ધ બાણ અર્ધ ચંદ્રાકાર, સુધન્વાને કંઠે કીધો પ્રહાર.
મુકુટયુક્ત કુંડલ લોલ, વંદે રામકૃષ્ણ વાણી કોમલ;
એવું સુધન્વાનું છેદ્યું શીશ, બન્યો પક્ષ રાખી જુગદીશ.
કબંધ જે સુધન્વા તણું, મુસ્તક વિના ઝૂઝે અતિ ઘણું;
ઉઠાડ્યા અર્જુનને હસ્તે કરી, શિરવિણ કબંધ દેખાડે શ્રીહરી.
ત્યારે હરખ્યો પાર્થ લાગ્યો પાય, ચંદ્રવંશમાં જયજય થાય;
ભણતું રામકૃષ્ણ જુગદીશ, આવ્યું કૃષ્ણ કને વૈષ્ણવ શીશ.
લલકે કુંડલ ઝલકે કળા, છુટા કેશ શોભે મોકળા;
જય કંસ નિકંદન મર્દનકાળી, વિઠ્ઠલ વાસુદેવ વનમાળી.
જ્ય સિતાપતિ અંતરયામી, ગોપીનાથ ગરુડાગામી;
મુક્તિ સુખ હરિ આપો મુજને, એમ કહેતું આવ્યું કેશવ કને.
શ્રીહરિએ હાથમાં મુસ્તક ગ્રહ્યું, આ જો અર્જુન ભગવાને કહ્યું;
તુજ માટે મેં કીધો ઉત્પાત, એમ કહી રોયા જુગના તાત.
જોતાં દેવ પિત્રી સેન્યા સમસ્ત, મુસ્તક ઉપર્ મૂક્યો હસ્ત;
નિસર્યું તેજ મુખમાંથી બહાર, તે તેજ પીધું દેવ મોરાર.
જોઇ દેવે કર્યો જયજયકાર, સુધન્વા પામ્યો ઓદ્ધાર;
કૃષ્ણે મુસ્તક ઉછાળ્યું આકાશ, આવ્યું હંસધ્વજની પાસ.
(વલણ)
પિતા પાસે આવી પડ્યું, મુસ્તક જે સુધન્વા તણું;
રામકૃષ્ણ મુખે બોલતું, શશિવત્ સોહામણું.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
