પ્રેમાનંદ
Premanand
આંખ ભરી અબળા કહે, ઋષિરાયજી રે;
મારું જડ થાય છે મંન, લાગું પાયજી રે.
એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે;
રુએ બાળક, લાવો અન્ન, લાગું પાયજી રે.
અન્ન વિના ચાલે નહીં, ઋષિરાયજી રે;
મોટા જોગેશ્વર હરિભક્ત, લાગું પાયજી રે.
અન્ન વિણ ભજન સૂઝે નહીં, ઋષિરાયજી રે;
જીવે અન્ને આખું જગત, લાગું પાયજી રે.
શિવે અન્તપૂર્ણા ઘેર રાખિયાં, ઋષિરાયજી રે;
સૂર્યે રાખ્યું અક્ષયપાત્ર, લાગું પાયજી રે.
ઇંદ્ર સેવે કામધેનુને, ઋષિરાયજી રે;
તો આપણે તે કોણ માત્ર, લાગું પાયજી રે.
સુર સેવે કલ્પવૃક્ષને, ઋષિરાયજી રે;
મનવાંછિત પામે આહાર, લાગું પાયજી રે.
ધર્મ પ્રાણ અન્ન વિના નહીં, ઋષિંરાયજી રે;
ઊભો અન્ને સકળ સંસાર, લાગું પાયજી રે.
ફેરાનું ફળ જાશે નહીં, ઋષિરાયજી રે;
જઈ જાચો કૃષ્ણબળદેવ, લાગું પાયજી રે.
વિધિએ લખ્યા અક્ષર દરિદ્રના, ઋષિરાયજી રે;
ધોશે ધરણીધર તતખેવ, લાગું પાયજી રે.
(વલણ)
તતક્ષણ ત્રિકમ છેદશે, દરિદ્ર કેરાં ઝાડ રે;
નાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે.
* * *
કહે શુક જોગી : સાંભળો રાયજી, ફરી ફરી પ્રેમદા લાગે પાયજી;
વિપ્ર સુદામો આ૫ વિચારેજી, 'નિશ્ચે જાચવા જવું ૫ડશે મારેજી.
જાવું પડશે સર્વથા, ઘણું રુએ અબળા રાંક;
અન્ન વિના બાળક ટળવળે, એમાં માત તણો શો વાંક!'
પત્ની પ્રત્યે કહે સુદામો, 'તું સાંભળ મારી વાત;
કહો ભામિની ભગવંત આગળ, ભેટ શી મૂકું હાથ.
કાકા કહીને કુંવર આવે, કૃષ્ણસુત સમુદાય;
ખાવા માગે મુજ કને, ત્યારે શું મેલું કરમાંય.'
સુણી હરખ પામી પ્રેમદા, ગઈ પાડોશણની પાસ;
'બાઈ આજ કામ કરો મારું, જાણે વણમૂલે લીધી દાસ.
દ્વારામતી મમ પતિ જાય છે, જાચવા જાદવરાય;
અમો બમણું કરીને આપશું, કોઈ આપો ઊછીતું, માય.'
પાડોશણને દયા આવી, આ દુર્બળ આવી લેવા;'
સૂપડું ભરીને કાંગ આપ્યા, 'આ, બાઈ, તમારે દેવા.'
ઊખળે ઘાલી ઓખણ્યા, તેને કીધા શ્વેત;
તગતગતા કરી કરમાં આપ્યા, ઋષિજી પામ્યા હેત.
મારગમાં છોવાય નહીં, છે ત્રિકમના તાંદુળ;
લઈ જાવા છે દ્વારામતી, નથી બાંધવા પટકૂળ.
ઉપરાઉપરી બંધન બાંધ્યાં, ચીથરાં દશ વીસ;
રત્નની પેરે જત્ન કીધું, જ્યમ ચડે છોડતાં રીસ.
ઋષિ સુદામાને કહે બાળકડાં, કરીને રોતાં મુખ;
'પિતાજી એવું લાવજો, જ્યમ જાય આ૫ણી ભૂખ.'
દીન વાણી સાંભળીને, મુનિએ મૂક્યો નિઃશ્વાસ;
સુદામો કહે પુત્રને, 'પરિબ્રહ્મ પૂરશે આશ.'
ઋષિ સુદામો સંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વૈરાગી વિપ્ર છે, ને ભક્તના શણગાર.
ભાલ તિલક ને માળા કંઠે, રસનાએ ભણતા જાય;
મુખ કુખનું જાળું વાધ્યું, કદ્રૂપ દીસે કાય.
૫વને જટામાંથી ભસ્મ ઊડે, ધૂમ્ર ગોટાગોટ;
ઉપાનરેણુએ અભ્ર છાયે, જોજન કોટાકોટ.
ધસમસે ને ધાય મુનિવર, મુખે શ્વાસ ન માય;
જે મારગમાં સામું મળે, તે દેખી વિસ્મય થાય.
તૈલાભ્યંગ સ્વપ્ને ન ઇચ્છે, છે લૂખું ઋષિનું ગાત્ર;
એક હાથમાં જેષ્ટિકા, એક હાથે ગ્રહ્યું તુંબીપાત્ર.
કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
પણ ભાગ્યભાનુ ઉદે થયો, હરિ કરશે આ૫ સમાન.
(વલણ)
આ૫ સમાન કરશે કૃષ્ણજી, શુકજી કહે સુણો નરપતિ;
થોડે શ્રમે ઋષિ સુદામો પહોંતા પુરી દ્વારામતી.
* * *
ગોવિંદે માંડી ગોઠડી : ‘કહોને મિત્ર અમારા,
સાંભળવા આતુર છું, સમાચાર તમારા. ગોવિંદે...
શે દુઃખે તમો દૂબળા, એવી ચિંતા કેહી;
મન મૂકીને કહો મને, મારા બાળસ્નેહીં. ગોવિંદે...
કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેણે કાન શું ફૂંક્યો?
વેરાગી ત્યાગી થયા, સંસાર શું મૂક્યો? ગોવિંદે...
શરીર પ્રજાળ્યું જોગથી, તમે દુઃખે દેહી;
છો તે કિયે દુઃખે દૂબળા, માર પૂર્વસ્નેહી? ગોવિંદે...
કે શત્રુ કોઈ માથે થયો, ઘણાં દુઃખનો દાતા?
કે કાંઈ ચોરીએ ગયું, તેણે નહિ સુખશાતા?
કાંઈ ધાતુપાત્ર કને નહીં, આવ્યા તુંબડું લેઈ;
વસ્ત્ર નથી કાંઈ પહેરવા, મારા બાળસ્નેહી. ગોવિંદે...
સુખ નથી સંસારનું, કાંઈ કર્મને દોષે;
ભાભી અમારાં વઢકણાં, તે શું લોહીડું શોષે? ગોવિંદે...
કે શું ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી?
એ દુઃખમાં કિયું દુઃખ છે, મારા પૂર્વસ્નેહી?' ગોવિંદે...
પછી સુદામોજી બોલિયા, પ્રભુને શીશ નામી :
'તમારું અજાણ્યું કાંઈ નથી, છો અંતરજામી. ગોવિંદે...
અમને તો દુઃખ વિજોગનું, નહીં પ્રભુજી પાસે;
આજ હરિ હુંને જો મળ્યા, પિંડ પુષ્ટ જ થાશે.’ ગોવિંદે...
* * *
સકળ સુંદરીઓ દેખતાં, ગોષ્ઠી ગોવિંદે કીધી;
પછે દરિદ્ર ખોવા દાસનાં, ગાંઠડી દૃષ્ટિમાં લીધી.
'મનવાંછિત ફળ આજ હું પામ્યો, મિત્રજી મળવા આવ્યા;
ચતુર ભાભીએ ભેટ મોકલી, કહો, સખા! શું લાવ્યા?’
અઢળક ઢળિયો રે શ્યામળિયો, મુષ્ટિ તાંદુલ માટે;
ઇંદ્રનો વૈભવ સહેજમાં આપ્યો, સ્વલ્પ સુખડી સાટે.
ચરણ તળે ચાંપી રહ્યો સુદામો, કૃષ્ણજી કહે છે, 'કાઢો;
અમજોગ જો ભેટ ન હોય તો, દૂર થકી દેખાડો.
એ દેવતાને દુર્લભ દીસે' – જાચે જાદવરાય :
'જો ૫વિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય.'
ભગવાનની સ્ત્રીઓ ભર્મમાં ભૂલી, જુએ મળી સમસ્ત;
અમૃતફળ કે સંજીવનમણિ, હરિ ઓડે છે હસ્ત.
આમ હરિ જ્યારે હાથ લગાડે, ઋષિ ખસેડે આમ;
ભક્તહેત પોતે દેખાડે, સઉને સુંદરશ્યામ.
અવલોકવા ઊભી સહુ નારી, કર ધરી કનકનાં પાત્ર;
જદુપતિને જાચે સઉ નારી : ‘અમને આ૫જો તિલમાત્ર'
સુદામો ચિંતામાં પડિયો, 'લજ્જા મારી જાશે;
ભર્મ ભાંગશે તંદુલ દેખી, કૌતક મારું થાશે.
સ્ત્રીને કહ્યેથી હું થયો લોભી, તુચ્છ ભેટ અહીંયાં આણી;
લજ્જા લાખ ટકાની ખોઈ ઘર ઘાલ્યું ધણિયાણી.'
સુદામાના મનની શોચના, શ્યામળિયે સઉ જાણી;
હસતાં ખસતાં પાસે આવી, તાંદુલ લીધા તાણી.
હેઠળ હેમની થાળી મેલી, વસ્તુ લેવા જગદીશ;
છોડે છબીલો પાર ન આવે, ચીંથરાં દશવીસ.
૫ટરાણીઓ જોઈ અચરજ પામી, છે પારસ કે રત્ન;
અમરફળ કે સંજીવનમણિ, આવડું કીધું છે જત્ન.
કણ વેરાણા ને પાત્ર ભરાણું, જોઈ રહ્યો જુવતીનો સાથ;
તાંદુલના કણ હૃદયે ચાંપી, બોલ્યા લક્ષ્મીનાથ :
'સુદામા, મેં આ અવનીમાં લીધા બહુ અવતાર;
આ તાંદુલનો સ્વાદ છે એવો નથી આરોગ્યો એકે વાર.
મોટા મોટા મિત્ર મેં જોયા, ધ્રુવ અંબરીષ પ્રહ્લાદ;
આ તાંદુલનો એકે મિત્રે દેખાડ્યો નથી સ્વાદ.'
તુચ્છ ભેટ ભારે કરી માની, વિચાર્યું ભગવાન;
સાત જન્મ સુધી સુદામે નથી કીધાં પુણ્યદાન.
જાચકરૂપ થયા જગજીવન, પ્રીત હૃદેમાં વ્યાપી;
મુખમાં મુષ્ટી તાંદુલ મૂક્યા, દારિદ્ર્ય નાંખ્યાં કાપી.
કર મરડીને ગાંઠડી લીધી, સાથેનાં દુઃખ મોડ્યાં;
જેમ જેમ ચીથરાં છોડ્યાં નાથે, ભવનાં બંધન તોડ્યાં.
જ્યારે તાંદુલ મુખમાં મૂક્યા, ઊડી છાપરી આકાશ;
તેણે સ્થાનક સુદામાને થયા સપ્ત ભૂમિના અવાસ.
ઋષિપત્ની થયાં રુક્મિણી સરખાં, શ્યામ સરીખા પુત્ર;
એ વૈભવને કવિ શું વખાણે, જેવું કૃષ્ણનું ઘરસૂત્ર.
બીજી મૂઠી જ્યારે મુખમાં મૂકે, ત્યાં ગ્રહ્યો રુક્મિણીએ ૫ાણ :
'એમાં શું ઓછું છે સ્વામી, અમને આપો ચતુરસુજાણ.'
અષ્ટ મહાસિદ્ધિ ને નવનિધિ, તે મોકલી વણમાગી;
તે સુદામો નથી જાણતા, જે ભવની ભાવઠ ભાંગી.
હાથી ડોલે ને દુંદુભિ બોલે, ગુણિજન ગાયે સાખી;
જડિત્ર હિંડોળો હેમનો બાંધી હીંચે છે હરિણાક્ષી.
હીરા રત્ન કનકમય કોટી, હાર્યો દ્રવ્યે કુબેર;
કોટિધ્વજ લાખેણાં વાજે, છપ્પન ઉપર ભેર.
(વલણ)
વાજે ભેર અખૂટ ભંડારની, ત્રૂઠા શ્રીગોપાળ રે;
એમ રાત વાતમાં વહી ગઈ, થયો પ્રાતઃકાળ રે.
* * *
શુકજી કહે : સાંભળ રાજન, પરમ કથા પ્રૌઢી પાવન;
વળી વિચારે કમળાપતિ, 'મેં સુદામા સરખું આપ્યું નથી.
એકેકો કણ જે તાંદુલતણો, ઇંદ્રાસનપેં મોંઘો ઘણો;
દુર્બળ દાસના ભાવની ભેટ, પરમ વિધિએ ભરાયું પેટ.
હું એ સરખો થઈ વનમાં તાપું, વૈકુંઠની રિદ્ધિ એને આપું;
સોળ સહસ્ર સાથે રુક્મિણી, સેવા કરે સુદામાતણી.'
દ્વારિકા આપવા ઇચ્છા કરી, વળી મૂઠી શ્રીનાથે ભરી;
ત્યારે રુક્મિણીએ સાહ્યો હાથ, 'અમે અપરાધ શો કીધો, નાથ?’
સામું જોઈ રહ્યાં દંપતી, સોળ સહસ્રમાં પ્રીછતી નથી;
સકળ નારીને કરુણા કરી, તાંદુલ વહેંચી આપ્યા કરી.
તેમાં મૂક્યો સ્વાદ અપાર, સ્ત્રી આગળ રાખ્યો મિત્રનો ભાર;
હાસ્ય વિનોદ કરતાં વહી શર્વરી, થયો પ્રાત, સુદામે જાચ્યા હરિ :
'મને વિદાય કરો, જગજીવન.' હરિ કહે, 'પધારીએ સ્વામિન;
વળી કૃપા કરજો કોઈ સમે.' ઠાલે હાથે નરહરિ નમે.
પ્રભુ પોળ લગી વોળાવા જાય, કોડી એક ન મૂકી કર માંય;
સત્યભામા કહે, 'સુણો જાંબુવતી, કૃપણ થયા કેમ કમળાપતિ?
બ્રાહ્મણ, વળી મિત્ર પોતા તણો, દરિદ્રદુઃખે પીડેલો ઘણો;
તેને વાળ્યો નિર્મુખ ફરી.' રુક્મણી કહે, 'શું સમજો સુંદરી.'
બેલડીએ વળગ્યા વિશ્વાધાર, સુદામે જતાં કર્યો વિચાર :
'એના વૈભવ આગળ વળિયો છેક, ૫ણ મને ન આપી કોડી એક.
સ્ત્રીની ચોરી મનમાં ધરી, પણ કાંઈક ગુપ્ત મને આપશે હરિ.'
માધવ માર્ગે વોળાવા ગયા, પછી સુદામોજી ઊભા રહ્યા :
'વિઠ્ઠલજી હવે પાછા વળો.' તવ ભેટીને રોયા શ્યામળો;
વળ્યા કૃષ્ણ 'ફરિ મળજો' કહી, પણ કરમાં કાંઈ મૂક્યું નહીં.
ઋષિ સુદામે મૂક્યો નિઃશ્વાસ, ચાલ્યો બ્રાહ્મણ થઈને નિરાશ.
ઋષિ પામ્યો મનમાં સંતાપ, નિંદા કરવા લાગ્યો આપ.
'હું માગવા આવ્યો મિત્ર કને, તેપેં મૃત્યુ શે નાવ્યું મને;
સ્ત્રીજિત નર તે શબ સમાન, રંડાએ ઉપજાવ્યું અપમાન.
એકાંતરા જો મળે જે અન્ન, કંદમૂળ કીજે પ્રાશન;
ભૂખે મરે બાળક નાનડાં, ખવરાવીએ સૂકાં પાંદડાં.
૫વન પ્રાશીને ભરીએ પેટ, નીચ પુરુષની કરીએ વેઠ;
કાષ્ઠ કે તૃણનો વિક્રય કરી, અથવા પર ઘેર પાણી ભરી.
અથવા વિષ પીને પોઢીએ, પણ મિત્ર કને કર નવ ઓડીએ.
અજાચક વ્રત મૂક્યું આજ, ખોઈ લાખ ટકાની લાજ.
દામોદરે મને કીધી દયા! મૂળગા મારા તાંદુલ ગયા.'
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
