subhadra ni bhabhio - Akhyan | RekhtaGujarati

સુભદ્રાની ભાભીઓ

subhadra ni bhabhio

પ્રેમાનંદ પ્રેમાનંદ
સુભદ્રાની ભાભીઓ
પ્રેમાનંદ

એવી વાત સર્વે વિચારી રે, ગઈ નણંદી મંદિર નારી રે;

માતાને ઘેર ગયા મોરારી રે, ત્યારે ટોળે મળી સર્વે નારી રે.

જો ચોરી કીધી અમારી રે, જોઈએ શું લાવ્યા ગિરિવરધારી રે;

આવ્યાં સુભદ્રાની પાસ રે, જ્યારે બહાર પધાર્યા અવિનાશ રે.

ત્યારે નણંદ થયાં પ્રસન્ન રે, આપ્યાં સોળ સહસ્ર આસંન રે;

પછે સુભદ્રા હરખે પૂછે રે, ભાભી સર્વે આવ્યાં કારણ શું છે રે.

સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે બોલ્યાં રુક્મિણી રાણી રે;

આવ્યાનું થાનક જે અમારું રે, તે તો બાઈ ભવન તમારું રે.

અમો ભાભી સોળ હજાર રે, તેને તમારો છે આધાર રે;

જ્યારે તમે જાશો સાસરડે રે, શું આપશે વસુદેવ ઘરડે રે.

સાસરવાસો સર્વે ભોજાઈ રે, કરવા ઇચ્છે તમને બાઈ રે;

અમ સરખું કાંઈ કામ દેજો રે, મન ગમે તે માગીને લેજો રે.

જ્યારે એમ કહ્યું મુખથી રામા રે, ત્યારે બોલ્યાં છે સત્યભામા રે;

આપણને એથી અધિક કંઈ નહીં રે, દૂધ છે તોય ને દહીંયે રે.

આપ્યાનો તે શો છે ઉધારો રે, બાઈજી લોની હાર મારો રે;

આપણ ક્યાં ખરચીશું ગર્થ રે, સાસુ નણંદ મોટું તીર્થ રે.

આપ્યો હાર તે સત્યભામા સતી રે, ત્યારે ઊઠ્યાં જાંબુવતી રે;

પહેરો સુભદ્રાજી ચીર રે, ચિત્રવિચિત્ર ભર્યું છે હીર રે.

રુક્મિણીએ કીધું મન બહોળું રે, આપ્યું પહેરવા હીરનું પટોળું રે;

એક કહે લ્યો સુભદ્રા બહેન રે, માળા લ્યો આપી મોહન રે.

કેણે આપ્યાં કંકણ ને ચૂડી રે, નણદી કહે ભાભીઓ રૂડી રે;

ધોળા સાળુ છાંટ્યા કેશર રે, મોટાં મોતી નાકે વેસર રે.

કો જોડ આપે અણવટની રે, કો છોડે કટિમેખલા કટની રે;

કલ્લાં કાંબી ને ઝાંઝરિયાં રે, નણંદને ભાભીએ અર્પણ કરિયાં રે.

ભાભીની દીઠી રૂડી દ્રષ્ટ રે, સુભદ્રા થયાં તાંહાં ગર્વિષ્ટ રે;

આભ્રણ આપ્યાં એમ સર્વે રે, ત્યારે બોલ્યાં સુભદ્રા ગર્વે રે.

આજ હું ઘણી માનીતી મોટી રે, ઘણી ભાભીની નણંદ પનોતી રે;

આજ ભાભી પરોણાં રહીએ રે, વળી કામ અમ સરખું કહીએ રે.

જેવાં કરશો તેવાં થઈશું રે, વહાલી વાત તે તમને કહીશું રે;

સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે બોલ્યાં તે રુક્મિણી રાણી રે.

કહું છું કહો સુભદ્રા બાઈ રે, આજ આવ્યા હુતા તમારા ભાઈ રે;

પેટી હતી તે ભિયા કને રે, આવીને તે આપી છે તમને રે.

તે પંજરમાં એવું શું છે રે, ભાભીસાથ સૌકો પૂછે છે રે;

આપણે બોલવું ચાલવું શાનું રે, એને જોઈ જાવું છે છાનું રે.

માટે ઉઘાડો પંજરનું તાળું રે, અમો વેગળી રહીને નિહાળું રે;

નણંદે જીભ કરડી ત્યાં દંત રે, ભાભી ક્રોધી તમારો કંથ રે.

જાણો છો ત્રિકમની ટેવ રે, અગ્નિકટકો છે કૃષ્ણદેવ રે;

સુભદ્રા કહે કેમ કીજે રે, વિઠ્ઠલે વારી છે, તે તો ઘણું ખીજે રે.

મને સોંપી છે જદુનાથે રે, તમે જુઓ ઉઘાડી હાથે રે;

ઉપર મૂકી છે કૂંચી રે, મોહને મૂકી છે તે ઊંચી રે.

શું જાણીએ કે ઘો છે કે સાપ રે, તેને દેજો જબાપ રે;

ત્યારે સત્યભામા ત્યાં પૂછે રે, બાઈ આવડું બીઓ છો તે શું છે રે.

જો તમ ઉપર કોપે શ્યામ રે, ત્યારે મારું તમે લેજો નામ રે;

જો હરિ દેખાડે મુને બળ રે, રૂડી પેરે ઉતારું ઝાકળ રે.

ત્યારે બોલ્યાં તે જાંબુવતી રે, એક મેં વિચારી છે મતિ રે,

આપણ અઘરી પ્રતિજ્ઞા કીજે રે, કોઈ બહાર જઈ વાત કીજે રે.

(વલણ)

કીજે વાત વિઠ્ઠલની ચોરી, જાંબુવતી એમ ઊચરે રે,

સંજય કહે સાંભળ ધૃતરાષ્ટ્ર, પછે શામા સમ કેવા કરે રે.

(ઢાળ)

જાંબુવતી કહે બહાર જઈને, કરે પિંજરની વાત;

તેને માથે ભાર એટલો, નહીં પિતા કેરી જાત.

પછે સુભદ્રાના હાથમાં તે, આપ્યાં સત્ય વચંન;

વસ્ત્રઆભૂષણે મોહી રહી, માન્યું માનુની મંન.

ચાલી સુભદ્રા પિંજર પાસે, કૂંચી કરમાં સહાઈ;

એકલીએ તાળું ઉઘાડિયું, જુએ વેગળી રહી ભોજાઈ.

દ્વાર બેહુ જૂજવાં કીધાં, અળગો કરી અહંકાર;

માંહે મૃત્યુક મોટું દીઠું, ત્યારે હશી રાજકુમાર.

અહીલોચનનો પ્રાણ રહ્યો’તો, વળગી પેટીપાસાં માંહે;

હસતાં હંસ હરખે પેઠો, હરિભગિની ઉદર માંહે.

અબળાને ગર્ભ છે અર્જુનનો, તેહને થયાં છે પંચ માસ;

તે પિંડ માંહે પાપી પરાણે, સદ્ય પૂર્યો વાસ.

તે જીવ વિમાસે અહીલોચનનો, હું આવ્યો હરિને ઘેર;

થાઉં પ્રસવ મરે સુભદ્રા, વળે પિતા કેરું વેર.

પછે કૃષ્ણકામનીએ કૌતુક કીધું, મરકલડે મુખ તાણ્યું;

જુઓ કમાઈ આપણા કંથની, જે મડું મશાણથી આણ્યું.

તાળી દઈ હસ્યાં માંહોમાંહે, સર્વમાં સત્યભામા ડાહ્યાં;

ભાઈએ હેત કીધું ભગિનીને, અવિલોકે અભડાવ્યાં.

પીતાંબરનો પાલવ ઢાંકી, પ્રભુએ પિંજર આણ્યું;

મારે મંદિર શે આવ્યા, મેં ત્યારથી કૌતુક જાણ્યું.

મુખ મરડીને તાણે સરકડાં, કરવા લાગી ઠીંગાઠોળી;

સુભદ્રાને વીંટી વળીઓ, સોળ સહસ્રની ટોળી.

રુક્મિણી કહે બાઈ મારે મંદિર, ટબકલી છીંટ છે આછી;

તે તમને હું આપીશ બાઈ, પટોળી આપોની પાછી.

જાંબુવતી કહે બત્રીશલક્ષણો, બાઈ તમારો વીર;

તે જાણે તો મુને ઠાર મારે, માટે આપો મારું ચીર.

સાંસતાં રહી સત્યભામા બોલ્યાં, હાથ દઈને ગાલે;

આજ તો હાર લાવોની પાછો, જોઈએ તો આવજો કાલે.

એક કહે આપણું નહીં રાખે, શું ભિયા છે ભિખારી;

હસ્તિનાપુરમાં કેમ જાશે, અંગૂઠી પહેરી મારી.

એક કહે ભિયાને આપતાં, આપણું હૈડું હીસે;

પાછું લઈએ એટલા માટે, જે પિહેરમાં વરણાગી છે.

માન દઈ અપમાન માંડ્યું, જ્યારે વસ્તુ પેટીની જાણી;

મૂળગું વસ્ત્ર જે સુભદ્રાનું, ભાભીએ લીધું તાણી.

બડબડતાં સુભદ્રા બોલ્યાં, હું ઘણી માનું મોટી;

હવે સાલ્લા સોતી જવા દ્યો, ભાભીની ભાવજ પહોંતી.

(વલણ)

પહોંતી ભાવજ ભાભીઓ, એમ નણંદે ટચકો ચોડીઓ રે;

લટપટ કરીને વસ્ત્ર લીધાં, પછે આપ આપને મંદિર દોડીઓ રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ