પ્રેમાનંદ
Premanand
કર ઘસી કુંભકરણ બોલ્યો, ધૂણી પોતાનું શીશ;
ઘર ઘાલ્યું ભાઈ ઘેલડાં, તેં દૂભવ્યા શ્રી જુગદીશ –
વીરા તુંને શું કહું રે.
બળિયા સાથે બાથ વીરા, તેં કાં દૂભ્યા રઘુનાથ –
વીરા તુંને શું કહું રે.
ત્રંબક લેતાં તાહરા રે, ચંપાણા વીશ હાથ રે;
કાઢી મૂક્યો તુંને રાઘવજીએ, થયો કૃતઘની લંકાનાથ. વીરા…
સાયરજળ જેણે બાંધિયું રે, શલ્યા તારી પુષ્પ સમાનરે;
મેઘાડંબર સહેજે છેદિયુ, તોય તુંને ન આવી સાન. વીરા…
લક્ષ ઘરુણી ઘેર તાહરે, જેહનાં દરશન ઇચ્છે દેવ રે;
તો સીતાને શીદ લાવિયો, થયો વૃદ્ધને ન ગઈ કુટેવ. વીરા…
જગત જીતી તેં જેર કીધું, ના જીત્યા ક્રોધ ને કામ રે;
શ્યામ કેશ ઉજ્જવળ થયા રે, તોય મન રહ્યું તારું શ્યામ. વીરા…
ચંદ્ર વિના જેવી જામની રે, દીપ વિના જેવું ધામ રે;
ત્યમ વિભીષણ બાંધવ વિના, દીસે ઉજ્જડ લંકા ગામ. વીરા…
પરનારી જેવી પાવકજ્વાળા, સાપણ વિખની વેલ રે;
જીવ લેશે તારો કુટુંબ સાથે, જઈ રામચરણે શીશ મેલ. વીરા…
હું મરણ થકી બીતો નથી, પણ તું વેળાસર ચેત રે;
નહીં માને શીખ માહરી, જાશે જમપુર સ્વજન સમેત. વીરા…
જો વાડીમાં બેસાડી જાનકી, તો લઈ આવ્યો કોણ કામ રે;
તુંથી સીતા નથી જિતાતી, તો ક્યમ જિતાશે રામ. વીરા…
રાવણ કહે કુંભકરણને રે, ભાઈ સાંભળ દુઃખની વાત રે;
જ્યારે દેખું હું સતી જાનકી, જાણું હોય એ આપણી માત. વીરા…
જો સતી ત્યાગ કરે સમશાનમાં, તો હું બળું શબને સંગરે;
હાવે આજે કેમ નમું રિપુ રામને, મુખે લાગે કાળો રંગ. વીરા…
(વલણ)
લાગે કાલપ મુખ વિષે, જો નમું રિપુને પાય રે;
કુંભકરણ કહે ધન્ય તું, તારું મન જોયું મેં ભાઈ રે.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
