ranbhumi par kumbhkarn - Akhyan | RekhtaGujarati

રણભૂમિ પર કુંભકર્ણ

ranbhumi par kumbhkarn

પ્રેમાનંદ પ્રેમાનંદ
રણભૂમિ પર કુંભકર્ણ
પ્રેમાનંદ

રાવણનું દાધ્યું અંતઃકરણ, તે જોઈ જુદ્ધે આવ્યો કુંભકરણ;

જેમ રાહુ તારા માંહે જાય, તેમ કુંભકરણ ગયો કપિ માંય.

ભયાનક ભાસે તે વિકરાળ, શું અરાડ પદ્મનો આવ્યો કાળ;

સેં પાંચસેંને કરમાં સાહે, કુંભકરણ મૂકે મુખમાંહે.

કરડે મરડે ભચરડે ભૂર, સત સહસ્ર કીધા વાનર ચૂર;

તાડે પછાડે ઉડાડે ગ્રહી, કરમાં આવ્યો તે છૂટે નહીં.

રુએ વાનરા પાડે રીર, તેનાં કાળજ કાઢી પીએ રુધિર;

કોને કક્ષાપટમાં ગ્રહી રાખે, કોને સમુદ્રમાં ઉછાળી નાખે.

વાટે દાટે ચરણે કરી, બહુ હંસ હરિના લીધા હરી;

માર્યા વાનર મર્કટ રીંછ, પડ્યા ઊગર્યાની પડે પ્રીછ.

વાનરની કાઢે નસજાળ, ગળે ઘાલે આંતરડાની માળ;

ચૂસે કંઠ ને ઘૂંટડા ભરે, મુખે રુધિર ઓઘરાળા ઊતરે.

એમ સેનાનો વાળ્યો દાટ, જોઈ રામચંદ્રને થયો ઉચાટ;

દૃષ્ટ ઓળખી રાઘવ તણી, સુગ્રીવ ધાયો રાક્ષસ ભણી.

ત્યારે કુંભકરણ અકળાયો ઘણું, બળ વાધ્યું રાય સુગ્રીવ તણું;

માર્યો સારથિ મહાપ્રચંડ, પાડ્યું છત્ર ભાગ્યો ધ્વજદંડ.

કુંભકરણ કીધો વિરથ, જય પામ્યો સુગ્રીવ સમર્થ;

વાનરમાં થયો જેજેકાર, કુંભકરણ કોપ્યો છે અપાર.

ધાયો રાક્ષસ પાળો પાયે, સહસ્ર કપિ મૂક્યા મુખ માંહે;

પેટમાં વાનર ફેરા ફરે, ઊછળે કૂદે હોંકારા કરે.

જઠરાગ્નિની પીડા હોય, પામે નીસરવા કોય;

કપિનું દુઃખ જાણી બળવાન, પાપીને હાથે ચડ્યા હનુમાન.

ગાજ્યો કુંભકરણ રાજાન, મુખમાંહે મૂક્યા હનુમાન;

થયો સેનામાં હાહાકાર, ગ્રાસ્યો દેખી પવનકુમાર.

રાક્ષસ-સાથ ગાજીને હસ્યો, ભાઈ વાડીવાળો રાયે ગ્રસ્યો;

વાલ્મીકજી વાણી ઓચરે, હનુમાનવીર શું પ્રાક્રમ કરે.

કુંભકરણની કુખ મોઝાર, આવી પડ્યા પવનકુમાર;

માંહોમાંહે વાનર અફળાય, નામઠામ પૂછે કપિરાય.

દુર્ગંધ વાસના મોટું પેટ, શેવાળભર્યો શું સાગરબેટ;

કૂખ જાળ આંતરડાં તણી, વીંટાય વાનરને પાયે ઘણી.

બીજા કપિને ગળતો જાય, ઉદરમાં ભીડ ઘણેરી થાય;

ટાળવા કપિવરનું સહુ દુઃખ, નખે હનુમાને ફાડી કૂખ.

ઉદરમાંહે અજવાળું થયું, નદીપેં શોણિત અદકું વહ્યું;

જ્યમ મોટા ઘરને બારી છજું, ત્યમ કૂખે પાપીને છિદ્ર ભજ્યું.

તે વાટે વાનર નીસરી જાય, તે નથી જાણતો રાક્ષસરાય;

અંતે નીસર્યો પવનકુમાર, થયો વાનરમાં જેજેકાર.

કુંભકરણ ધાયો રણમાંય, જુધ કરતાં સાહ્યો સુગ્રીવ ત્યાંય;

જ્યમ કુંજરને સાહે કેસરી, ત્યમ રાક્ષસ ચાલ્યો પાછો ફરી.

સહુ વાનરસેના પૂંઠે થઈ, પડે માર પણ મૂકે નહીં;

પછે લઘુલાઘવી વિદ્યા કરી, સુગ્રીવરાય નાઠો નીસરી.

બેઠો મસ્તક ઉપર દેઈ હાક, કુંભકર્ણનું કરડ્યું નાક;

હાથે કરીને ખૂંટે બેઉં કાન, નાઠો વાનરપતિ બળવાન.

કરૂપો રાજાને કપિએ કર્યો, તે લજ્જા પામીને પાછો ફર્યો;

રુધિરધારા ખળકે અતિ, જાણે ધાતુ ઝરતો ગિરિપતિ.

ઘણા કપિ મૂક્યા મુખમાંય, તે કાન નાકેથી નીસરી જાય;

દશ લક્ષ કપિ કીધા નિપાત, પછે સન્મુખ આવ્યા રઘુનાથ.

ઘણું જુધ કીધું શ્રીહરિ, પદબંધ કરું સંખેપે કરી;

કુંભકરણનો જોઈ અહમેવ, ગુપ્ત રામને સ્તવે સઉ દેવ.

પ્રલ્લે રૂપ કીધું રઘુનાથ, કુંભકરણના છેદ્યા હાથ;

પાટુ મારવા ધાયો રાય, ત્યારે રામે છેદ્યા બેઉ પાય.

છેદ્યું મસ્તક મેલી બાણ, રાક્ષસ માંહે પડ્યું ભંગાણ;

મસ્તક પડતાં કંપી ધરા, લંકા કોટના પડ્યા કાંગરા.

કંપન અતિકંપન બેઉ બળવંત, હનુમાને તેહનો આણ્યો અંત;

લક્ષ્મણે માર્યો ત્યાં અતિકાય, મહોદર માર્યો મંત્રીરાય

(વલણ)

મહોદર મંત્રી પડ્યો, થયો રાવણ વિગ્રે ચિત્તરે;

ભટ પ્રેમાનંદ કહે કથા, હવે જુદ્ધે ચઢ્યો ઇંદ્રજીત રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ