krishnne gokul mokaltan— - Akhyan | RekhtaGujarati

કૃષ્ણને ગોકુળ મોકલતાં—

krishnne gokul mokaltan—

પ્રેમાનંદ પ્રેમાનંદ
કૃષ્ણને ગોકુળ મોકલતાં—
પ્રેમાનંદ

(રાગ : નટનારાયણ)

દેવકી ઉવાચ -

“ધંન જશોદા, ધંન જશોદા, વણપ્રસવે થઈ માતા;

કોનું સાંચ્યું કોણ ખાય? લખ્યા લેખ વિધાતા. ધંન૦

કીડી સાંચે ને તીતર ખાયે, તેમ થયું આજ મારે;

એક રાતની હું નહીં માતા, પરઘેર પુત્ર પધારે.

નંદ-નંદિની નાથ લાવશે તેથી શું સુખ-સુખ થાશે?

દીઠી તે ભાઈ! દેવની લીલા, જશોદાઘેર ગીત ગવાશે.

ઘમક ઘૂઘરી ઠમક ઠેકડે, સુત ગોપીઘેર રમશે;

હું અપરાધણ હરખે હણાઈ, વિજોગ પુત્રનો દમશે.

કાલાં કાલાં વચન વહાલાનાં, જશોદાજી સાંભળશે;

બાર માસ ચોમાસું મારે, વિજોગ નૈણે ગળશે.

મારે બારણે બેઠા રખેવાળ રાક્ષસ જેવા મદમાતા;

ગોપીને ઘેર ગુણીજન ગાશે, બારણે તોરણ હાથા,

મળવા આવશે ભાઈ-ભોજાઈ, જશોદાનો ધંન સુખદહાડો;

મારે કંસભાઈ ધાઈ આવશે, કરમાં ખડગ ઉઘાડો.

સગી માતા તે નંદની નારી, હું આશરે મોહો-બોલી;

સાંભળ્યું ક્યહીં, પોપટી પ્રસવે, સુતને હુલાવે હોલી?

પધારો આતા, મહિયારી માતા, જીવજો ગૌ ચારી;

મોહન મુખડે કહીંયે કહેશો, મુજને ‘માતા મારી?’

(રાગ : નટદેશી)

'ગોકુળ પધારો હો બાળક બાઢુઆ;

લોકના બોલ સહેજો હો મીઠા પાડુઆ;

વન રડવડજો હો પગે નહિ ખાસડી;

આતા ઊછરજો હો પી પી છાશડી. -ગોકુળ૦

મીઠાજીનાં મીઠડાં હો કરી જાઉં મરી;

શામળા સલૂણા હો કહીં મળશું ફરી?

કઠિણ દીસે હો પુરુષતણાં હૈયાં;

પરઘેર જાય હો મૂકવાને છૈયાં. -ગોકુળ૦

વસુદેવ બોલ્યા હો, ‘ઘરુણી ઘેલી થઈ;

આપ અર્ભકને હો, વેળા તો વહી ગઈ.’

રુદયા ચાંપી હો પુત્ર આગળ ધર્યો;

ધન દેહ માનુષી હો, પ્રાણ નવ નીસર્યો. -ગોકુળ૦

થમણી લીધી હો દેવકી રાંકની;

જેમ કોઈ કાઢી લે હો કીકી આંખની,

‘નાથજી મારા હો, આવશો નાંખી જી;

લોક બે રાખજો હો સોંપતાં સાખી જી. -ગોકુળ૦

ગોપ વડાર્યા હો પુત્ર આપશે નહીં.’

વસુદેવ બોલ્યા હો, ‘શીખ વીસરી ગઈ?'

અકળ પુરુષને હો ઊચલી લીધા ધરી;

વસુદેવ ચાલ્યા હો રોતી રહી સુંદરી. -ગોકુળ૦

(દશમસ્કંધ.-ક ૧૪-૧પ)

સ્રોત

  • પુસ્તક : કાવ્ય સંચય ૧ (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : અનંતરાય રાવળ , હીરા પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981