nalakhyan - Akhyan | RekhtaGujarati

નળાખ્યાન

nalakhyan

પ્રેમાનંદ પ્રેમાનંદ
નળાખ્યાન
પ્રેમાનંદ

કડવું ૧ર

રાગ જિતશ્રી

હંસ ભણે : ‘હો ભામિની! બ્રહ્માંડ ત્રણ જોયાં સહી,

પણ નળની જોડે મેળવું, મહીતળમાં તુલના કો નહિં.

જુગ્મ રવિસુત રૂપ આગળ જાય નાખી વાટ,

ગંભીરતાએ વર્ણવું, પણ અર્ણવમાં ખારાટ. તુલના૦

શીતળતાએ શશી હાર્યો મૂકે કળા પામી કષ્ટ :

તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પૃષ્ઠ. તુલના૦

ઈશ્વર-જુદ્ધથી ઇંદ્ર હાર્યો ઉપાય કરે છે લાખ;

નળ આગળ મહિમા ગયો માટે મહાદેવ ચોળે રાખ. તુલના૦

નૈષધ દેશના ભૂપને દેખી દેવને થઈ ચિંતાય :

‘રખે આપણી સ્ત્રીઓ નળને પરણે,’ સર્વે માંડી રક્ષાય. તુલના૦

લક્ષ્મીનું મન ચળ્યું જાણી વિષ્ણુ મંન વિમાસે;

પ્રેમદાને લેઈ પાણીમાં પેઠા, બેઠા શેષને વાંસે. તુલના૦

હેમસુતાને લેઈ હર નાઠા, ગયા ગુફા માંહે.

સહસ્ત્ર આંખ ઇંદ્રે કીધી, નારીને જતી જોવાયે. તુલના૦

સુધ્ય-બૂધ્યને ધીરે નહિ ગણપતિ, અહરનિશ રાખે પાસ;

ઋષિપત્નીઓને ઋષિ લેઈ [જઈ] રહ્યા વનવાસ. તુલના૦

પાતાળમાં લેઈ પદમણીને વસ્યો વરુણરાય;

સ્વાહાને સાચવવાને અગ્નિએ ધરી અડતાળીસ કાય. તુલના૦

ચંદ્ર-સૂર્ય તાં નાસતા ફરે, રખે ઠરતી નારી;

નારદ ઋષિ આગળથી ચેત્યા, પોતે રહ્યા બ્રહ્મચારી.’ તુલના૦ ૧૦

હંસ કહે : ‘હો હરિવદની! એમ સહુએ શ્યામા સંતાડી;

નળે રૂપ-ગુણ-જશ-તેજથી સર્વે સૃષ્ટિ કષ્ટ પમાડી. તુલના૦ ૧૧

પુરુષને અદેખાઈનું બળતું, નારીને દહે કામ;

અનળ પ્રગટ્યો સર્વેને, માટે ‘નળ’ ધરિયું નામ. તુલના૦ ૧ર

જપ તપ વ્રત નેમ જેણીએ સેવ્યો હશે હેમ પરવત,

તે નારી નળને પરણશે જેણીએ મૂક્યું હશે કાશી કરવત. તુલના૦ ૧૩

બ્રહ્માની સૃષ્ટિ માંહાં કો મળે જાચક રૂપ,

નળને દાને દારિદ્ર છેદ્યાં; ભિક્ષુક કીધા ભૂપ.’ તુલના૦ ૧૪

ત્યારે નરમ થઈ દમયંતી બોલી : ‘નિર્મળ નળ ભૂપાળ;

તેમ કર તું,ભાઈ! માહારો ત્યાંહાં મળે વેવિશાળ.’ તુલના૦ ૧પ

હંસ કહે : ‘રે ફોકટ ફાંફાં; જેમ વામણો ઇચ્છે આંબા-ફળ,

તેમ તુઝને ઇચ્છા થઈ જે ભરથાર પામવો નળ. તુલના૦ ૧૬

હજાર હંસ રે હું સરખા ફરે છે નૈષધપતિના દૂત;

ખપ કરીને પરણાવીએ તે તું સરખું ભૂત?’ તુલના૦ ૧૭

વચન સુણી વિહંગમનાં અબળાએ મૂક્યો અહંકાર :

‘ભૂંડા! એમ શું અમને નિભ્રંછે? આપણે થયો છે મિત્રાચાર. તુલના૦ ૧૮

સ્નેહ તે સાત કરમનો એમ વદે વેદ ને ન્યાય;

એહવું જાણી પરણાવ નળ-શું, હું લાગું તાહરે પાય. તુલના૦ ૧૯

વલણ

પાયે લાગું ને નળ માગું, હું આવી તાહરે શરણે રે;

નહિ તો પ્રાણ જાશે માહારા ને પિંડ પડશે ધરણ રે.’ ર૦

સ્રોત

  • પુસ્તક : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ (પૃષ્ઠ ક્રમાંક 410)
  • સંપાદક : કે. કા. શાસ્ત્રી, શિવલાલ જેસલપુરા